Valsad News :સ્ટંજબાજે ચાલીને જઈ રહેલી બે વિદ્યાર્થિનીઓને પાછળથી ટક્કર મારી હતી
Valsad News :આજકાલ યુવાનો સ્ટંટના રવાંડે ચઢ્યા છે, ક્યારેક બાઇક પર તો ક્યારેક બીજી રીતે સ્ટંટ કરતાં જોવામાં આવે છે અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર આજકાલ સ્ટંટના કેટલાય વીડિયો વાયરલ થાય છે. રોડ પર ખતરનાક સ્ટંટ કરવો જીવલેણ બની શકે છે, તેની ખબર હોવા છતાં પણ યુવાનો અટકતા નથી અને અવારનવાર રોડ પર સ્ટંટ કરીને બીજાના જીવને જોખમમાં મુકી દે છે. ત્યાર હાલ વલસાડથી આવી જ ઘટના સામે આવી છે. જેમાં સ્ટંજબાજે ચાલીને જઈ રહેલી બે વિદ્યાર્થિનીઓને પાછળથી ટક્કર મારી હતી. જેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે બાઈકના નંબરના આધારે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વલસાડ તાલુકાના રોણવેલ ગામે આવેલી આર.કે પટેલ સર્વજનિક વિદ્યાલયમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓ શાળાએથી છૂટ્યા બાદ ચાલીને પોતાના ઘરે જઈ રહી હતી. આ દરમિયાન બે લબરમુછીયાઓએ બાઈક પર સ્ટંટ કરીને ચાલીને જતી બંને વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી હતી. જે બાદ બંને વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી.
તો જોખમી સ્ટંટનો વીડિયો પણ વાયરલ થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર બે વિદ્યાર્થિનીઓ ચાલીને જઈ રહી છે. ત્યારે પાછળ સ્પોર્ટ્સ બાઈક પર સ્ટંટ કરતા બે યુવકો આવે છે અને આગળ ચાલીને જતી બંને વિદ્યાર્થિનીઓને અડફેટે લે છે. આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસે વાયરલ વીડિયોના આધારે નંબર પ્લેટ દ્વારા તપાસ શરૂ કરી છે.