Vadodara News :વડોદરા રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા આરોપીને વાડી પોલીસે ઝડપી પાડી સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે
Vadodara News :વડોદરા રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા આરોપીને વાડી પોલીસે ઝડપી પાડી સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે. વાડી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, એક રિક્ષા વિદેશી દારૂનો જથ્થો ભરીને દાલિયાવાડી નાની શાક માર્કેટમાં આવનાર છે. જેથી, વાડી પોલીસ સ્ટેશનના સ્ટાફના જવાનોએ પંચોને સાથે રાખી વોચ ગોઠવી હતી. રાતે અગિયાર વાગ્યે એક રિક્ષા આવતા પોલીસે કોર્ડન કરીને રિક્ષા પકડી લીધી હતી.

રિક્ષા ડ્રાઇવરનું નામ વિજય જગદીશભાઇ યાદવ ( રહે. નાની શાક માર્કેટ, વાડી) હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે રિક્ષાની પાછળની સીટ પર કૌશિક ઉર્ફે મજનૂ ઠાકોરભાઇ કેથવાસ ( રહે. જગન્નાથ કોમ્પલેક્સ, ગીતા મંદિરની બાજુમાં, પ્રતાપ નગર રોડ) બેઠો હતો. રિક્ષામાં પોલીસે તપાસ કરતા વિદેશી દારૂની ૩૬ બોટલ કિંમત રૃપિયા ૧૬,૨૦૦ ની મળી આવી હતી. પોલીસે દારૂ, રિક્ષા અને મોબાઇલ ફોન મળીને કુલ રૂપિયા ૪૧,૭૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, દારૂનો જથ્થો પાદરાથી રણુ તરફ જવાના રસ્તા પાસેથી ગુડ્ડુ નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હતો. જેથી, પોલીસે ગુડ્ડુને વોન્ટેડ જાહેર કર્યો છે.