Top News :સિહોરમાં ટાણા ચોકડી પાસે આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં સિહોર પોલીસે દરોડો કરી ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લીધો હતો
Top News :ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ હંમેશા જોવા મળે છે ત્યારે સિહોરમાંથી ફરી એક વખત દારૂ ઝડપાયો છે. સિહોરમાં ટાણા ચોકડી પાસે આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં સિહોર પોલીસે દરોડો કરી ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. દારૂ અને બિયરનું કટીંગ થતું હતું ત્યારે સિહોર પોલીસ અહીં ત્રાટકી હતી. પોલીસે ઇંગ્લિશ દારૂ બિયર અને કાર સહિતના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે બે શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર સિહોર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળતા તુરંત જ પોલીસે સિહોરના ટાણા ચોકડી પાસે આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા યોગેશ બાલકૃષ્ણભાઈ મહેતાના રહેણાંકના મકાન પર દરોડો કર્યો હતો. એ વખતે અલગ અલગ કારમાં ઇંગ્લિશ દારૂ અને બિયરનું કટીંગ ચાલી રહ્યું હતું. અને તે જ સમયે પોલીસ દારૂ અને બિયર પકડવામાં સફળ રહી હતી. ત્યારે પોલીસે ઘેરાબંધી કરી યોગેશને દબોચી લીધો હતો.
તદુપરાંત, અલગ અલગ કારમાંથી વિદેશી દારૂ અને બિયરની બોટલો કબજે કરી હતી. સિહોર પોલીસે વિદેશી દારૂ બિયર અને કાર મળી કુલ રૂ.૮,૦૮,૮૦૦ ના મુદ્દામાલ સાથે યોગેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે કટીંગ કરી રહેલા બે અજાણ્યા ફરાર થવામાં સફળ થયા હતા. શિહોર પોલીસે યોગેશ મહેતા, બે અજાણ્યા અને ફોરવ્હીલ ગાડીઓના માલિકો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ અનેક વાર દારૂની રેલમછેલ જોવા મળે છે.