શહેરા તાલુકાના લીંબોદ્રા ગામે રવિવારના રોજ સાંજે ગુમ થયેલા પ્રેમીપંખીડાની લાશો લીંબોદ્રા,ધાણીત્રા અને ચાંદણગઢ ગામો વચ્ચે સ્થાપિત જંગલમાંથી મળી આવી. પ્રેમીએ ધારદાર ચપ્પા વડે પ્રેમિકાનું ગળું કાપી ઘાતકી હત્યા કરી પોતે પણ ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લીંબોદ્રા ગામે આવેલા નિશાળ ફળિયામાં રહેતી 19 વર્ષીય શીતલ પરમાર અને તે જ ગામના 22 વર્ષીય વિજય પરમારની આંખો મળી ગઈ હતી,શીતલ પરમાર હાલોલ ખાતે આવેલી એમ.જી.મોટર્સમાં નોકરી કરતી હતી અને ગત રવિવારના રોજ તે હાલોલ ખાતેથી પોતાના ઘરે લીંબોદ્રા ખાતે સાંજના સમયે આવી પહોંચી હતી એ વખતે વિજય તેને લઈને ભાગ્યો હતો.
આથી મૃતક શીતલના પિતાએ શહેરા પોલીસને જાણ કરતા શહેરા પોલીસ મથકના પી.આઈ આર.કે.રાજપુતે બનેલા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ કાફલા સાથે આવી કડકડતી ઠંડીમાં બંને પ્રેમીપંખીડાની શોધખોળ આરંભી હતી ત્યારે તેઓની શોધખોળ વચ્ચે સોશિયલ મીડિયામાં મૃતક વિજયે તેની અને શીતલના ફોટા સાથે અને નીચે મૃત હાલતમાં શીતલ નો ફોટો મૂકી પોસ્ટ વાયરલ કરી હતી,જેમાં “મારી ગોડી તારી આત્મા ને આપે. મેં મર્ડર કર્યું 6 અને મારી આત્મા ને પણ શાંતિ આપે, આથી પોલીસ લીંબોદ્રા ગામે આવેલી નદીથી લઈ લીંબોદ્રા,ધાણીત્રા અને ચાંદણગઢ આ 3 ગામની સીમાઓને સ્પર્શતું જંગલ આવેલું છે.
જ્યાં પી.આઈ. આર.કે.રાજપૂત અને પોલીસ કાફલો તદુપરાંત ગ્રામજનો પણ પહોંચ્યા હતા અને તેઓને શોધવાનું અભિયાન તેજ બનાવ્યું હતું ત્યારે રવિવારથી ચાલુ થયેલા અભિયાનનો અંત સોમવારે બપોરે 4 વાગ્યે આવ્યો હતો અને સાચા અર્થમાં પોલિસની મહેનત રંગ લાવી હતી,જંગલની વચ્ચે આવેલા એક વૃક્ષ પર વિજયનો ગળાફાંસો ખાધેલી હાલતનો મૃતદેહ જોવા મળ્યો હતો તો પાસે જ શીતલનો પણ મૃતદેહ મળી આવ્યો હતો.
જેને કારણે પોલીસ અને ગ્રામજનો ચોંકી ઉઠ્યા હતા. કારણ કે શીતલનું ગળું કોઈ ધારદાર હથિયાર વડે કાપી નાખવામાં આવ્યું હતું.પોલીસના પ્રાથમિક તારણ અનુસારની રીતે જણાવ્યા મુજબ વિજયે શીતલ મારી નહિ તો કોઈ બીજાની પણ થવા નહીં દઊં એવા ઝનૂન સાથે ધારદાર ચપ્પા વડે ગળું કાપી તેની હત્યા કર્યા બાદ પોતે પણ પાસે આવેલા વૃક્ષ પર ગળાફાંસો ખાઈ પોતાના જીવનનો પણ અંત આણ્યો હતો.
બનાવના પગલે આજુબાજુમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા, શહેરા પોલીસે એફ.એસ.એલ ની મદદ લીધી હતી અને ઘટનાની જાણ ગોધરા વિભાગના ડીવાયએસપી પરાક્રમસિંહ રાઠોડને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યાં તેઓએ બંને પરિવારના સભ્યોને સમજાવટ કરી હતી. ત્યારબાદ પોલીસે જરૂરી કાગળો કરી બંનેના મૃતદેહને શહેરા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.