રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ 4 લોકોએ જીવ ગુમાવતા પરિવારજનોમાં દુઃખની લાગણી વ્યાપી જવા પામી હતી
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓમાં નવયુવાનોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. 48 કલાકમાં રાજકોટમાં 4 લોકોનાં મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. જેમાં રાજકોટ શહેરના સંત કબીર રોડ પર આર્યનગરમાં રહેતા પશ્ચિમ બંગાળનો વતની છોટન નિતાઈ દોલાઈ ઉ.વર્ષ.24 અચાનક બેભાન થઈ જતા હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું મૃત્યું થયું હતું.

અચાનક બેભાન થઈ ગયા બાદ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ
જ્યારે યુનિવર્સિટી રોડ પરની પરિશ્રમ સોસાયટીમાં રહેતા ભૂપતભાઈ બચુભાઈ જાદવ ઉ.વર્ષ.47 સોમવારે પોતાના ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા.જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
જસદણ અને રીબડામાં હાર્ટ એટેકથી બે વ્યક્તિઓના મોત
બીજા બે બનાવોમાં રીબડામાં હાર્ડવેરનાં કારખાનામાં કામ કરતો બિહારનો ધનંજય અવતારરામ યાદવ ઉ.વર્ષ. 28 રવિવારે સાંજે કારખાને હતો તે દરમ્યાન છાતીમાં દુઃખાવો થયો હતો. તેમજ પરસેવો થયા બાદ તે બેભાન થવા પામ્યો હતો. જે બાદ ધનંજયને રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. જ્યારે જસદણનાં ખડવાવડીમાં રહેતા ખોડાભાઈ બિજલભાઈ મેર ઉ.વર્ષ. 46 અચાનક વાડીએ બેભાન થઈ ગયા હતા. જેઓને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજ્યું હતું.