રતનપુર પાસેથી કારનો પીછો કરી સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગર દ્વારા ૧,૯૯,૪૦૦ નો વિદેશી દારૂ પકડી પાડયો હતો
પાવીજેતપુર તાલુકાના રતનપુર પાસેથી કારનો પીછો કરી સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગર દ્વારા ૧,૯૯,૪૦૦ નો વિદેશી દારૂ અને કાર સાથે પકડી પાડયો હતો. જ્યારે કારમાં સવાર બે ખેપિયાઓ ફરાર થઈ ગયા હતાં. સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમને બાતમી હકીકત મળી હતી કે, છોટાઉદેપુરથી બોડેલી તરફ એક સફેદ કારમાં વિદેશી દારૂની હેરાફેરી થનાર છે. જે અનુસંધાને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાવીજેતપુરના વસવા પુલ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. દૂરથી જ બાતમી વાળી ગાડી દેખાતા આડસ ઊભી કરી રસતો રોકી ગાડી ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો.

પરંતુ પોલીસને જોઈ ખેપિયાઓ પાવીજેતપુર તરફ ભાગ્યા હતા. જેથી સ્ટેટની ટીમે તેમનો પીછો કરતાં કાર ચાલકોએ પાવીજેતપુરથી રંગલી ચોકડી તરફ પોતાની ગાડી હંકારી મૂકી હતી. બાદમાં રતનપુર પાસે ઝાડ સાથે કાર અથાડી દીધી હતી. પોલીસની જોઈ કાર છોડીને ખેપિયાઓ ફરાર થઈ ગયા હતા.
કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ તેમજ બિયરના ટીન મળી આવ્યા હતાં. પોલીસે રૂ.૧,૯૯,૪૦૦નો દારૂ અને બિયરનો જથ્થો તેમજ કાર મળી કુલ રૂ.૫,૪૯,૪૦૦નો મુદ્દા માલ જપ્ત કરી બંને ફરાર ખેપિયાઓ સામે પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.