દેશી દારૂ સાથે સ્કૂટર ચાલક પકડાયો
નડિયાદ ટાઉન પોલીસે સંત અન્ના ચોકડી તેમજ ખાડમાંથી બે મહિલાઓને દેશી દારૂ તથા વોશ સાથે ઝડપી પાડી હતી. આ ઉપરાંત વડતાલ પોલીસે ભૂમેલ રેલવે બ્રિજ નીચેથી સ્કૂટર પર દેશી દારૂ લઈને જતાં શખ્સને ઝડપી પાડયો હતો. આ બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદ ટાઉન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સંત અન્ના ચોકડી નજીકથી સુશીલાબેન લક્ષ્મણભાઈ તળપદાને દારૂ ગાળવાનો ૨,૦૦૦ લિટર વોશ, કિંમત રૂ.૪,૦૦૦ તેમજ દેશી દારૂ મળી કુલ રૂ.૪,૩૮૦નો જથ્થો કબજે કર્યો હતો. આ ઉપરાંત નડિયાદ ખાડવિસ્તારમાંથી મધુબેન બાબુભાઈ તળપદાને પોલીસે દેશી દારૂ ગાળવાનો વોશ ૧,૦૦૦ લિટર કિંમત રૂ.૨,૦૦૦ તેમજ દેશી દારૂ મળી કુલ રૂ.૨,૩૬૦ના જથ્થા સાથે ઝડપી પાડયા હતા.

આ બંને મહિલાઓને રાત્રિ સમયે છોડી દઈ પોલીસે સવારે પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવ્યું હતું. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે બંને મહિલાઓ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત વડતાલ પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન ભૂમેલ રેલવે બ્રિજ નીચેથી પસાર થતો સ્કૂટર ચાલક પોલીસને જોઈને ભાગ્યો હતો. જેથી પોલીસે પીછો કરી તેને ઝડપી પાડી પૂછપરછ કરતા મહેશ મોહનભાઈ તળપદા (રહે. ઇન્દિરા નગરી, વડતાલ) હોવાનું જણાવ્યું હતું.તેના સ્કૂટરની તલાસી લેતા પ્લાસ્ટિકની થેલીમાં રૂ.૩૦૦ની કિંમતનો દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને સ્કૂટર મળીને કુલ રૂ.૨,૮૦૦નો મુદ્દામાલ કબજે કરીને ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.