બોરસદમાં 21 વર્ષિય યુવતી પર ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ, પોલીસે રિમાન્ડ મેળવીને યુવતીના પેટમાં ગર્ભ બાબતે ડીએનએ ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે
બોરસદ તાલુકાના એક ગામની યુવતીને ત્રણ શખ્સોએ પ્રેમજાળમાં ફસાવીને તેણી ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવી દીધાનો બનાવ બન્યો છે. 21 વર્ષિય યુવતીને પાડોશી અર્જુન ઠાકોર નામના યુવક સાથે પ્રેમ થયો હતો. યુવકે લગ્ન કરવાનુ જણાવીને તેણી સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ કર્યુ હતુ.

30 સપ્તાહનો ગર્ભ હોવાનુ ધ્યાને આવ્યુ હતું
આ વાતની જાણ થતાં અનિષ ઠાકોર નામના શખ્સે બદનામ કરવાની ધમકી આપી તેણી સાથે દુષ્કર્મ કર્યુ હતુ, ત્યારબાદ ઉમેશ ઉર્ફે ભયલુ પટેલે પણ યુવતીને બ્લેક મેઈલ કરી દુષ્કર્મ કર્યુ હતું. એક આરોપીએ તારું અર્જુન સાથે લફડુ છે અને બન્ને શરીર સંબંધ બાંધો છો તે વાતની મને ખબર છે અને તને બદનામ કરી નાંખીશ, જો તુ મારી સાથે શરીર સંબંધ નહીં બાધે તો તને જાનથી મારી નાંખીશ તેમ જણાવીને તેણીની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતુ, જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણીએ કોઈને જાણ કરી નહોતી.
જો કે, એક માસ અગાઉ હોસ્પિટલમાં કરાવેલા નિદાનમાં તેણીને 30 સપ્તાહનો ગર્ભ હોવાનુ ધ્યાને આવ્યુ હતુ. તેથી વિરસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી ત્રણેય શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ મેળવીને યુવતીના પેટમાં ગર્ભ બાબતે ડીએનએ ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
વિરસદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
ગત 8મી જાન્યુઆરીના રોજ યુવતીના પેટમાં દુખાવો થતાં તેણીના ભાઈ- ભાભી બોરસદની એક હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સોનોગ્રાફી કરાવતા તેણીને ૩૦ સપ્તાહનો ગર્ભ હોવાનું નિદાન થયું હતુ. જે અંગે ભાઈ-ભાભીએ પુછપરછ કરતા તેણીની સાથે બનેલી ઘટના જણાવી હતી. આ અંગે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરીને યુવતી પરિવારના સભ્યો સાથે વિસાવદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.