ગિયોડ ગામના પાટીયા પાસે કારમાં અમદાવાદ લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે રાજસ્થાનના શખ્સને ઝડપી પાડી ૫.૬૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો
ગાંધીનગર જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ વધી રહ્યું છે ત્યારે ગાંધીનગર એલસીબી દ્વારા ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર ગિયોડ ગામના પાટીયા પાસે કારમાં અમદાવાદ લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે રાજસ્થાનના શખ્સને ઝડપી પાડી ૫.૬૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા બાતમીદારોને સક્રિય કરીને આવા દારૂના જથ્થાને પકડવા માટે દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી ૨ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એએસઆઇ વિક્રમસિંહને બાતમી મળી હતી કે, હિંમતનગર તરફથી આવી રહેલી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને આ કાર અમદાવાદ તરફ જઈ રહેલી છે.
જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા ગીયોડ બ્રીજના છેડે હિંમતનગરથી અમદાવાદ તરફ જતા રોડ ઉપર આડાશો વોચ ગોઠવી દેવાઈ હતી. બાદમાં બાતમી મુજબની કાર દૂરથી આવતી જણાઈ આવતાં ઇશારો કરી ઉભી રાખી દેવામાં આવી હતી. જેથી પોલીસે ડ્રાઇવરની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ લલીત મણીલાલ મીણા રહે. પાલદેવલ, મણાતફલા, તા. દેવલ, જી.ડુંગરપુર હોવાનુ જણાવ્યુ હતું. બાદમાં દારૂની ગણતરી કરતા અંદરથી ૫૬ હજારની કિંમતની અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની ૩૦૦ બોટલો હોવાનું સામે આવ્યું હતું.
આ દારૂ સંબંધે ડ્રાઇવરને પૂછતા તેણે કબૂલ્યું હતું કે અર્જુનસિંહ નામના ઈસમે ફોન કરીને વિદેશી દારૂ ભરેલી ગાડી મોકલી આપી હતી. આ દારૂનો જથ્થો ચીલોડા નજીક પહોંચતા તેનો માણસ લેવા આવવાનો હતો. જેનાં પગલે પોલીસે દારૂના જથ્થા સહિત કુલ રૂ. ૫.૬૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી અર્જુનસિંહ સામે પણ ગુનો દાખલ કરીને શોધખોળ શરૂ કરવામાં આવી છે.