સુરતની 22 વર્ષની યુવતી દીપાલી દાળિયાએ અમેરિકામાં પાયલટ બનીને ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યું છે.
‘ગુજરાતી ગાંજ્યો ન જાય’ કહેવત એમ ને એમ નથી કહેવાઈ. સપના સાકાર કરવાનું તો કોઈ ગુજરાતીઓ પાસેથી શીખે ! ગમે તેવું અઘરું લાગતું કામ પણ ગુજરાતી ધારે તો આખરે પાર પાડીને જ રહે છે. ફરી એક વાર ગુજરાતીએ મુઠ્ઠી ઊંચેરી છલાંગ લગાવી છે.
મૂળ સુરતની 22 વર્ષની યુવતી દીપાલી દાળિયાએ અમેરિકાના કૈલિફોર્નિયામાં પ્રોફેશનલ પાયલોટ બની છે. 2017ની સાલમાં પહેલી વાર વિમાનમાં બેસતી વખતે પ્લેન કેવી રીતે ઉડે છે તે વિચારીને પાયલોટ બનવાનો વિચાર આવ્યો હતો. બસ પછી વિમાનમાં બેસીને જોયેલું સપનું સાકાર કરતાં દીપાલીએ તનતોડ મહેનત કરી દીધી. દીપાલીના પિતા સંજય દાળિયા સુરતના બેગમપુરાના મુંબઇવડના વતની છે.
પાયલોટ બનવા એકલી કૈલિફોર્નિયા શિફ્ટ થઈ
આમ તો દીપાલીનો આખો પરિવાર ન્યૂજર્સી રહેતો હતો પરંતુ પોતાનું પાયલોટનું સપનું પુરુ કરવા માટે દીપાલી એકલી કૈલિફોર્નિયા શિફ્ટ થઈ હતી અને ત્યાં મહેનત કરીને સફળતા મેળવી હતી. દીપાલીએ સુરતના અઠવા ગેટની વનિતા વિશ્રામ સ્કૂલમાં SSC સુધી ભણીને 2017માં માતા-પિતા અને ભાઇ સાથે અમેરિકા શિફ્ટ થઇ હતી.
માતાપિતાને બેસાડીને અમેરિકાથી ફ્લાઈટ ચલાવીને સુરતમાં ઉતારવી દીપાલીની ઈચ્છા
પોતે જે માતાપિતાથી અથાક મહેનતથી પાયલોટ બની છે તેનું ઋણ ઉતારવા માગતી દીપાલીએ એવું કહ્યું કે મારુ હવે એક સપનું છે કે મારા મમ્મી-પપ્પાને અમેરિકાથી ફ્લાઈટમાં બેસાડીને સુરતમાં ઉતારવાની. દીકરી પાયલોટ બનતાં આંખો હરખથી છલકાઈ છે.
રાણા સમાજમાં હરખ
પ્રોફેશનલ પાયલોટ બન્યા બાદ પહેલી વખત વતન સુરત આવેલી દિપાલીનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. પરિવારના સભ્યો જ નહિ સમાજમાં પણ હરખ છવાયો હતો. રાણા સમાજની પહેલી યુવતી પાયલોટ બની હોવાથી સમાજના આગેવાનોએ દિપાલીનું સન્માન કર્યુ હતું.
હું ઉડવાં જ બની છું- દીપાલી
પોતાની આ સિદ્ધી વિશે વાત કરતાં 22 વર્ષની દીપાલીએ કહ્યું કે હું તો ઉડવા જ બનું છું. વિમાનમાં પહેલી વાર બેસીને પાયલટનો વિચાર આવ્યો હતો. દીપાલી હવે પોતાના પેરેન્ટ્સને વિમાનમાં બેસાડીને સુરત લાવવા માગે છે.
કડીની 19 વર્ષની માનસી પણ બની હતી પાયલોટ
ઉલ્લેખનીય છે કે 23 ડિસેમ્બર 2023ના દિવસે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામની 19 વર્ષીય પાટીદાર યુવતી માનસી પટેલ પણ સાઉથ આફ્રિકાથી પાયલટ બનીને વતન પાછી આવી હતી. નાનપણમાં જ પાયલોટ બનવાનું માનસીનું સપનું હતું.