ગુજરાતમાં હાલ પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મચારીઓની તોડકાંડની ચર્ચા ચાલી રહી છે. આ બધાની વચ્ચે માધુપુરા 1400 કરોડમાં સટ્ટાકાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ કરી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને સુપ્રત કરી છે. જેમાં એન્ટી કરપ્શન દ્વારા આ અપ્રમાણસર મિલકતની તપાસ કરવાની ભલામણ એટલે કે રિમાર્ક કર્યા છે એ રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે.
આ રિપોર્ટની અંદર બીજા પોલીસ કર્મચારીનું નામ છે. જેમાં તુષાર, નૌશાદ અને હિંમતસિંહના નામ ખુલ્યા છે. બીજી તરફ એવી પણ માહિતી આપી છે કે જે લોકો પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હતા તેમાં એક આઈબીના પોલીસ કર્મચારીએ સેટલમેન્ટની ભૂમિકા ભજવી હતી.
સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સમગ્ર માધુપુરા સટ્ટાની અંદર અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીની બહાર અને રિવરફ્રન્ટ પર કુલ 40 લાખ રૂપિયાની ડીલ થઈ હતી. જેમાંથી 15 લાખ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા. એટલે કે, કુલ 55 લાખની ડીલમાં પોલીસે 40 લાખનો ખેલ પાડ્યો હતો. જ્યારે સટ્ટાકાંડમાં જે બુકીઓના નામ ખુલ્યા છે તેઓ વાયા શ્રીલંકાથી દુબઇ અને બેંગકોક જતા રહ્યા છે.
ડીજીપી વિકાસ સહાયએ જણાવ્યું હતું કે, હાલ ખૂબ જ સંવેદનશીલ તબક્કામાં તપાસ છે, પછી જ નિર્ણય લેવાશે. રિપોર્ટનું એનાલિસિસ થયા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
હિંમતસિંહ ડબ્બા ટ્રેડિંગના કિંગ સાથે સંબંધ ધરાવતો
કહેવાય છે કે, અતિની ગતિ ન હોય તેમ જ્યારે સત્તાના મોહમાં તમને કોઈ વસ્તુનું ભાન ન હોય ત્યારે તમે કરેલી એક ભૂલ ક્યારેક દરેક પાસા ખોલી નાખતી હોય છે. અમદાવાદ શહેરમાં એક સમયે કવિ કવ્વાલ તરીકે જાણીતા તરલ ભટ્ટના માણસો પણ હવે માધુપુરા સટ્ટાકાંડની અંદર SMCએ કરેલા રિપોર્ટની અંદર સામેલ છે.
તેની સાથે એક હિંમતસિંહ નામના પોલીસ કર્મચારીનું નામ છે અને સુત્રોએ જણાવ્યું છે તે પ્રમાણે આઈબીના એક પોલીસ કર્મચારી પર આ સટ્ટાકાંડના સેટલમેન્ટની વચ્ચે ગોઠવણમાં હતો. જે શહેરમાં ડબ્બા ટ્રેડિંગના કિંગ સાથે સંબંધ ધરાવતો હતો. આ સમગ્ર કેસની અંદર બે મુખ્ય પાત્ર જેની પાસેથી પીસીબીના માણસોએ રૂપિયા લીધા હતા, તેઓ હાલ ભારતમાં નથી.
20 લાખ CP કચેરી બહાર રૂપિયા લીધા
SMCના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તેમણે કરેલા રિપોર્ટ પ્રમાણે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની શાહીબાગ ખાતેની કચેરીની બહાર 20 લાખ રૂપિયાની લેતી દેતી થઈ અને 20 લાખ રૂપિયા રિવરફ્રન્ટ પાસે પણ લેવામાં આવ્યા હતા. જ્યારે બીજા કેટલાક રૂપિયા એક સિનિયર અધિકારીના ઘરની નજીક લેવામાં આવ્યા હતા.
પરંતુ દબાણ વધતાં તે રૂપિયા પરત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે એક સિનિયર પોલીસ અધિકારીએ આ લોકોનો સાથ આપવાનો ઇનકાર કર્યો અને સમગ્ર રેકેટ સામે આવ્યું હતું.
બે મહિના બાદ SMC પાસે તપાસ સામે આવી
સીએના બહાને અનેક લોકોના બેન્ક એકાઉન્ટની તપાસ થઈ અને તેમાં મોટા લોકોને ખેલ પાડવાની શરૂઆત થઈ. જેમાં સમગ્ર મામલો સીડીઆરથી શરૂ થયો હતો. જે સીડીઆરના આધારે સૌથી વધુ જેની પાસે કોલ હતા તેમને બોલાવીને તેમની પાસેથી રૂપિયા માગવામાં આવતા હતા. આ સમગ્ર રૂપિયાની ડીલમાં તરલ ભટ્ટ અને તેમના માણસો સામેલ હતા.
પોતાના સત્તાના નશામાં આ લોકોએ અનેક લોકો પાસેથી રૂપિયા લેવાની શરૂઆત કરી હતી. પરંતુ એક સિનિયર અધિકારીએ વિરોધ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને આ સમગ્ર રેકેટના બે મહિના બાદ SMC પાસે તપાસ સામે આવી હતી.
રિવરફ્રન્ટ પર રૂપિયાની ડીલ થઈ તેના સીસીટીવી નથી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે SMCના રિપોર્ટ પ્રમાણે આ દરમિયાન પોલીસ કર્મચારીઓએ અલગ અલગ જગ્યાએ રૂપિયાની ડીલ કરી હતી અને પૈસા પરત કર્યા હતા. જ્યારે પોલીસ કમિશનર કચેરીની બહાર અને રિવરફ્રન્ટ પર રૂપિયાની ડીલ થઈ ત્યારે તપાસમાં થોડો સમય વીતી ગયો હોવાથી હાલ તેના સીસીટીવી મળી શક્યા નથી.
પરંતુ આ પોલીસ કર્મચારીઓએ અપ્રમાણસરની મિલકત ભેગી કરી હોવાની શક્યતા છે અને તેની તપાસ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કરવામાં આવે તેવી રાજ્યના પોલીસવડાને ભલામણ કરવામાં આવી છે.
બે માણસો PIની બદલી કરવા માટે જાણીતા
SMCના રિપોર્ટ સિવાય પોલીસ ભવનના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જ્યારે પીસીબીના પોલીસ કર્મચારીઓએ બેફામ રૂપિયા ઉઘરાવવાનું શરૂ કર્યું ત્યારે તેમના બે માણસો અમદાવાદ શહેરના પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવા માટે જાણીતા હતા. રૂપિયાની સાથે તેઓ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરાવી દેતા હતા. જેમાં અનેક પોલીસ ઇન્સ્પેક્ટરોને નુકસાન પહોંચ્યું હતું. જ્યારે જેના વહીવટદાર રૂપિયા આપતા તે પોલીસ ઇન્સ્પેક્ટર ગોઠવાઈ જતા હતા.
એની સાથે અમદાવાદ શહેરના અનેક વહીવટદારો આ બંનેની જોડીના કારણે તેમને નત મસ્તક હતા. સંખ્યાબંધ રૂપિયા ઉઘરાવાને કારણે તેઓની આવક અને સત્તામાં વધારો થયો હતો. તેઓએ પોતાના સિવાય અન્ય લોકોના નામે પણ મિલકત ખરીદી હોવાની વિગતો પણ સૂત્રોએ જણાવી છે. જે અંગે અગાઉ તરલ ભટ્ટ ક્રાઈમ બ્રાંચમાં હતા ત્યારે તે જે વાહન વાપરતા હતા તે પણ ગુનેગારોને નામે ખરીદ્યું હતું તેવું પણ જાણવા મળ્યું છે.
પોસ્ટિંગમાં લાખો રૂપિયાની રોકડી થઈ હોવાની ચર્ચા
આ સમગ્ર રેકેટ દરમિયાન અમદાવાદ શહેરમાં તત્કાલિન અધિકારીએ કેટલાક પોલીસ કર્મચારીઓને સજાના ભાગરૂપે બદલી કરી દીધી હતી જે લોકોને પરત પોસ્ટિંગ અપાવવાના બહાને લાખો રૂપિયાની રોકડી થઈ હોવાની પણ હાલ ચર્ચા છે.