‘મંદિર કોઈ પિકનિક સ્પોટ નથી’, મદ્રાસ હાઈકોર્ટે મંદિરોમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ
‘હિંદુઓને પણ તેમના ધર્મને માનવા અને તેનું પાલન કરવાનો અધિકાર’ : હાઈકોર્ટ
Madras High Court : મદ્રાસ હાઈકોર્ટે મંગળવારે તમિલનાડુ સરકારના હિંદુ ધર્મ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગને તમામ હિંદુ મંદિરોમાં બોર્ડ લગાવવા નિર્દેશ આપ્યો હતો જેમાં લખ્યું હતું કે બિન-હિન્દુઓને ‘ધ્વજસ્તંભ’થી આગળ જવાની મંજૂરી નથી. કોર્ટે વધુમાં કહ્યું કે ‘હિંદુઓને પણ તેમના ધર્મને માનવા અને તેનું પાલન કરવાનો અધિકાર છે.’
હાઈકોર્ટે ડી. સેન્થિલ કુમારની અરજી પર સુનાવણી કરી
હાઈકોર્ટની મદુરાઈ બેંચના જસ્ટિસ એસ શ્રીમાથી (Justice S Srimathi)એ ડી. સેન્થિલ કુમાર (D. Senthil Kumar)ની અરજી પર સુનાવણી કરતા આ નિર્ણય આપ્યો હતો. સેન્થિલ કુમારે પ્રતિવાદીઓને અરુલમિગુ પલાની ધનાદયુથપાની સ્વામી મંદિર અને તેના પેટા મંદિરોની મુલાકાત લેવાની મંજૂરી આપવા માટે માત્ર હિંદુઓને જ અનુમતિ આપવાનો નિર્દેશ માંગ્યો હતો. તેમણે મંદિરોના તમામ પ્રવેશદ્વારો પર આ અંગેના બોર્ડ લગાવવાની માગ કરી હતી. કોર્ટે અરજીનો સ્વીકાર કરીને, પ્રતિવાદીઓને મંદિરોના પ્રવેશદ્વાર પર, ધ્વજસ્તંભની નજીક અને મંદિરમાં પ્રમુખ સ્થાનો પર બોર્ડ લગાવવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે ‘બિન-હિન્દુઓને મંદિરની અંદર ‘ધ્વજસ્તંભ’થી આગળ જવાની મંજૂરી નથી.’
મંદિર એ કોઈ પિકનિક સ્પોટ કે પ્રવાસન સ્થળ નથી : કોર્ટ
આ ઉપરાતં કોર્ટે કહ્યું કે, ‘જો કોઈ બિન-હિન્દુ મંદિરમાં જાય છે, તો સત્તાવાળાઓએ વ્યક્તિ પાસેથી એફિડેવિટ લેવું પડશે કે તેમને ભગવાનમાં વિશ્વાસ છે અને તે હિન્દુ ધર્મના રીતિ-રિવાજોનું પાલન કરશે અને મંદિરના રીતિ-રિવાજોનું પણ પાલન કરશે. જસ્ટિસ એસ શ્રીમાથીએ ચુકાદો આપ્યો હતો કે મંદિર સત્તાવાળાઓ દ્વારા જાળવવામાં આવેલા રજિસ્ટરમાં આવી બાહેંધરી નોંધવામાં આવશે. કોર્ટે વધુમાં કહ્યું કે, ‘મંદિર એ કોઈ પિકનિક સ્પોટ કે પ્રવાસન સ્થળ નથી. તંજાવુર સ્થિત અરુલમિગુ બ્રહદેશ્વર મંદિરમાં પણ, અન્ય ધર્મના લોકોને મંદિરના સ્થાપત્ય સ્મારકો જોવાની છૂટ છે, પરંતુ ‘ધ્વજધ્વજ’થી આગળ જવાની મંજૂરી નથી.’