થાણેમાં પ્રેમિકાને કચડી મારવાનો પ્રયાસ કરનારા પ્રેમી સહિત ત્રણની ધરપકડ
સમગ્ર ઘટનાક્રમ અંગે એસઆઈટીની રચના કરાયા બાદ તરત જ કાર્યવાહીઃ ફોરેન્સિક પુરાવા મેળવાયા
મુંબઇ: થાણેમાં સરકારના એક ઉચ્ચ અમલદારના દીકરાએ કથિત રીતે તેમની એસયુવી હેઠળ પ્રેમિકાને કચડી મારવાનો પ્રયાસ કર્યા બાદ પોલીસે આ પ્રકરણની તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરી હતી. એસઆઈટીએ તરત જ આરોપીઓ અશ્વજીત ગાયકવાડ તથા તેના બે સાગરિતો સાગર શેડગે તથા રોમિલ પાટિલની ધરપકડ કરી હતી.
આ ઘટનાને પગલે રાજ્યભરમાં ઉહાપોહ મચ્યો હતો અને વિપક્ષોએ પણ સરકાર પર પસ્તાળ પાડી હતી. તે પછી રાજ્ય સરકારે એસઆઈટી દ્વારા તપાસના હુકમો આપ્યા હતા. એસઆઈટીએ આજે ત્રણેય આરોપીઓની તત્કાળ ધરપકડ કરી લીધી હતી.
આ સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર આ ઘટના ૧૧ ડિસેમ્બરના રોજ વહેલી સવારે ૪.૩૦ વાગ્યે ઘોડબંદરની એક હોટલ પાસે બની હતી જ્યાં ૨૬ ૨૬ વર્ષીય પીડિતા તેના પ્રેમી અશ્વજીતને મળવા ગઈ હતી. આ સમયે બન્ને વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદ વધુ વકરતા પીડિતાએ આરોપીની કારમાંથી તેનો સભ્યનું લીધો હતો અને તેને છોડીને જવાની તૈયારીમાં હતી ત્યારે કાર ચલાવી રહેલા અન્ય આરોપી અને મુખ્ય આરોપીના સાગરિતે કાર ચાલુ કરી તેને કાર હેઠળ કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તે નીચે પડી ગઈ હતી અને તેને ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઘટના બાદ પીડિતાએ સમાજ-માધ્યમો પર ઘટના બાબતની વિવિધ પોસ્ટ વહેતી મૂકી ન્યાય માટે ધા નાખી હતી.
આ સંદર્ભે ઝોન-૫ના ડીસીપી અમરસિંહ જાધવના નેતૃત્વ હેઠળ એક ‘સીટ’ની રચના કરવામાં આવી હોવાની માહિતી પોલીસના એક ઉચ્ચાધિકારીએ આપી હતી. તેમણે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે આ મામલે હમણા નિવદેન નોંધવાની પ્રક્રિયા ચાલુ છે અને ફોરેન્સિક પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે.