ગઢડામાં પોલીસ મથરની સામેથી જ પાંચ દિવસ પૂર્વે એસબીઆઈના એટીએમને ગેસ કટરથી કાંપી ૩૬ લાખથી વધુની રોકડની ચોરી થયાની ચકચારી ઘટનામાં ઘરનો જ ઘાતકી નીકળ્યો હતો
ગઢડામાં પોલીસ મથરની સામેથી જ પાંચ દિવસ પૂર્વે એસબીઆઈના એટીએમને ગેસ કટરથી કાંપી ૩૬ લાખથી વધુની રોકડની ચોરી થયાની ચકચારી ઘટનામાં ઘરનો જ ઘાતકી નીકળ્યો હતો. એટીએમ ચોરીના બનાવનો ભેદ ઉકેલવા તપાસની ધમધમાટ આદરનારી બોટાદ ક્રાઈમ બ્રાંચની ટીમ અને ગઢડા પોલીસની ટીમે પહેલેથી જ શંકાના દાયરામાં રહેલો સિક્યુરીટી ગાર્ડ અને તેનો ભાઈ તેમજ બે મિત્રને ઉઠાવી લઈ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. સાથે ચોરી કરેલો રોકડ સહિતનો તમામ મુદ્દામાલ પણ રિકવર કર્યો હતો.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.૧૯-૧ની રાતથી તા.૨૦-૧ના સવારના નવ વાગ્યા સુધીના અરસામાં ગઢડા શહેરમાં પોલીસ સ્ટેશન સામેની પાછળના ભાગે એસ.બી.આઈ.-ગઢડા મુખ્ય બ્રાંચના એટીએમમાં તસ્કરો પ્રિ-પ્લાનથી ઘૂસ્યા હતા અને એટીએમ શટરના તાળા તોડી ગેસ કટરથી એટીએમના નીચેના ભાગે અઢી ફૂટ જેટલું જાડું મેટલ (પતરૂ) કાપી નાંખી તેમાં રહેલા રોકડ રૂ.૩૬,૬૬,૫૦૦ અને ચલણી નોટ મુકવાની કેસેટ નં.૩ , મશીનની બાજુના કેબીનમાં રહેલ સીસીટીવી કેમેરાનું ડીવીઆર બોક્સ મળી કુલ રૂ.૩૭,૫૨,૦૦૦ની ચોરી કરી હતી.
આ ચકચારી ઘટના અંગે બેન્કના મેનેજર ગુણવંતભાઈ જાદવે ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડાએ ચોરીનો ભેદ ઉકેલવા માટે બોટાદ લોકલ ક્રાઈમ બ્રાંચ અને ગઢડા પોલીસની અલગ-અલગ ટીમોની રચના કરી હતી. ક્રાઈમ બ્રાંચ અને ગઢડા પોલીસની ટીમોએ અલગ-અલગ દિશામાં તપાસનો ધમધમાટ આદર્યો હતો.
જેમાં પ્રથમથી જ શંકાના દાયરામાં રહેલો સિક્યટુરીટી ગાર્ડ નિરજ ઉર્ફે ભાણો અરજણભાઈ ચાવડા (ઉ.વ.૩૪, રહે, માધવપાર્ક, ગઢડા)ને ઉઠાવી લઈ આગવીઢબે પૂછતાછ કરતા શખ્સે તેના ભાઈ અને બે મિત્રની સાથે મળી પ્રિ-પ્લાનથી એટીએમ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી.
જેના આધારે પોલીસે સિક્યુરીટી ગાર્ડનો મોટોભાઈ સંજય અરજણભાઈ ચાવડા (ઉ.વ.૩૬, રહે, માધવપાર્ક, ગઢડા), તેના બે મિત્રો ભાવેશ જગદીશભાઈ વરવાડિયા (ઉ.વ.૨૯, રહે, ગોપીનાથ સોસાયટી) અને રવિ પ્રવીણભાઈ ઉર્ફે મીથુનભાઈ ઉર્ફે અશોકભાઈ પરમાર (ઉ.વ.૨૬, રહે, શેલપરા શેરી, ગઢડા) નામના ત્રણ શખ્સને ઝડપી લઈ ચારેય પાસેથી ચોરી કરેલા રોકડ રૂ.૩૬,૬૨,૦૦૦, ચલણી નોટ મુકવાની કેસેટ નં.૩ મળી કુલ રૂ.૩૭,૨૨,૦૦૦નો સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરી ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.
આ ચારેય શખ્સને આવતીકાલે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી ચોરીનુ રિ-કંસ્ટ્રક્શન સહિત જરૂરી કાર્યવાહી કરવામા આવશે તેમ ગઢડા પોલીસના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
સિક્યુરીટી ગાર્ડ માસ્ટર માઈન્ડ, વીજ ઉપકરોણ બંધ કરી દીધા
ગઢડામાં પોલીસ મથકની સામે જ એસબીઆઈના એટીએમને ગેસ કટરથી કાંપી ૩૬ લાખથી વધુની રોકડની ચોરીને અંજામ આપવાનારી ટોળકી પોલીસના હાથે લાગ્યા બાદ પ્રાથમિક પૂછપરછ કરતા એસબીઆઈમાં સિક્યુરીટી ગાર્ડની નોકરી કરતો નિરજ ઉર્ફે ભાણો ચાવડા નામનો શખ્સ સમગ્ર મામલે માસ્ટર માઈન્ડ હોવાનું બહાર આવ્યું હતું.
ચોરીને અંજામ આપવા તેણે જ પ્લાન ઘડયો હતો અને ચોરીના આગલા દિવસે એટીએમમાં રોકડ રકમ લોડ કરવામાં આવી ત્યારે પોતે હાજર હોવાથી લાખોની રકમ એટીએમમાં પડી હોવાનું જાણતો હતો.
ત્યારબાદ ભેજાબાજ સિક્યુરીટી ગાર્ડે રાત્રિના સમયે પ્રથમ એટીએમના વીજ ઉપકરણો બંધ કરી દીધા હતા અને બાદમાં તેના મોટાભાઈ સંજય તેમજ ભાવેશને સાથે રાખી ગેસ કટરથી એટીએમ કાપી રોકડ રકમની કેસેટ કાઢી લીધી હતી અને સંજયે મુદ્દામાલ છુપાવી દીધો હતો. જ્યારે રવિ પરમાર નામનો શખ્સ એટીએમના કોમ્પલેક્ષ પાસે વોચ રાખીને ઉભો રહ્યો હતો.