પતિ અને પત્ની વચ્ચે આડા સંબંધોની શંકામાં થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતાર્યા
છોટાઉદેપુર તાલુકાના કાછેલ ગામે પતિ અને પત્ની વચ્ચે આડા સંબંધોની શંકામાં થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ ગભરાઈ ગયેલા પતિએ વીજ થાંભલા પર ચઢીને આત્મહત્યાની કોશિષ કરી હતી.
કાછેલ ગામે મોટા ફળિયામાં રહેતાં સુરેશભાઈ ભલજીભાઈ રાઠવાને તેની પત્ની મેલીબેનના પરપુરુષ સાથે આડો સંબંધ હોવાની શંકા હતી. ગઈકાલે તા.૫ના રોજ સાંજના સમયે આ બાબતે પતિ – પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં વાત વણસતાં ઉશ્કેરાયેલા પતિએ ઘરમાં પડેલી કુહાડી વડે પત્નીના માથામાં ઘા ઝીંકી દેતાં તે ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડી હતી. બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતાં.
તેમજ ગંભીર ઈજાગ્રસ્ત મેલીબેનને તુરત છોટાઉદેપુર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતાં. પરંતુ તેમની હાલત નાજુક જણાતાં તેમને વડોદરા સયાજી હોસ્પિટલમાં રીફર કરાયા હતાં. જ્યાં સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું.
જ્યારે કુહાડીના ઘા વાગતા લોહીલુહાણ થઈ ગયેલી પત્નીને જોઈને પતિ સુરેશભાઈ પણ ગભરાઈ ગયો હતો. અને ઘરની નજીક આવેલા વીજ થાંભલા પર ચઢીને કેબલ વડે લટકી જઈ આપઘાતની કોશિષ કરી હતી. પરંતુ તેને કરંટ લાગતાં દાઝી ગયો હતો. જેથી તેને પણ સારવાર માટે વડોદરા ખસેડાયો હતો. બનાવની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પતિ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.