રાજ્યના ટોચના ચાર અધિકારીઓ જન્યુઆરીમાં નિવૃત્ત થઇ રહ્યા હોવાથી રાજ્યના અમલદારોની મોટાપાયે બદલીઓની જાહેરાત થાય એવી ચર્ચા સચિવાલયમાં થઇ રહી છે
રાજ્યના ટોચના ચાર અધિકારીઓ જન્યુઆરીમાં નિવૃત્ત થઇ રહ્યા હોવાથી રાજ્યના અમલદારોની મોટાપાયે બદલીઓની જાહેરાત થાય એવી ચર્ચા સચિવાલયમાં થઇ રહી છે. લોકસભાની ચૂંટણીઓ આવી રહી હોવાથી લાંબા સમયથી કોઈ એક ચોક્કસ પોસ્ટ ઉપર ફરજ બજાવી રહેલા અધિકારીઓની ચૂંટણી પંચની જરૂરીયાતના કારણે બદલી કરવી પડે એવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે.
અધિકારીઓની ઓછી સંખ્યા વચ્ચે એક્સટેન્શન, કરાર આધારિત નિમણૂક અને વધારાના હવાલા કોને મળશે તેની ચર્ચા
તા. 31 જાન્યુઆરીએ જે અધિકારીઓ નિવૃત્ત થઇ રહ્યા છે તેમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીનો સમાવેશ થાય છે. મુકેશ પૂરી પાસે જીએસએફસી અને સરદાર સરોવર નિગમના મેનેજીંગ ડીરેક્ટરનો વધારાનો હવાલો પણ છે. આ ઉપરાંત, નાણા વિભાગમાં ખર્ચ સચિવ કે એ ભીમજીયાણી, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના વડા એમ એ ગાંધી અને મહિતી વિભાગના ડીરેક્ટર ડી કે પારેખ પણ નિવૃત્ત થઇ રહ્યા છે.
સુત્રોએ જણાવ્યું હતું કે મુકેશ પૂરી સરકારના સૌથી ભરોસાપાત્ર અધિકારીઓમાંથી એક છે. આ ઉપરાંત, એમના વ્યાપક અનુભવના કારણે તેમની નિવૃત્તિથી એકસાથે ત્રણ જગ્યાઓ ખાલી પડી રહી છે ત્યારે તેમને એક્સ્ટેન્શન આપી ફરીથી કોઈ મહત્વનો હોદ્દો આપવામાં આવે તેવી શક્યતા છે.
ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં રાજ્ય સરકાર 2024-25ના વચગાળાનું બજેટ રજૂ કરશે આ સ્થિતિમાં ખર્ચ સચિવ કે એમ ભીમજીયાણી નિવૃત્ત થઇ રહ્યા હોય ત્યારે તાકીદે તેમની ખાલી પડેલી પોસ્ટ ઉપર કોઈની નિમણુક કરવી પડશે. સુત્રોએ જણાવ્યું હતું કે બજેટની રજૂઆત સુધી આ જગ્યાએ કોઈને વધારાનો હવાલો આપી સરકાર કામગીરી આગળ ધપાવી શકે છે.ગુજરાત એસટી નિગમના મેનેજીંગ ડીરેક્ટર એમ એ ગાંધી પણ નિવૃત્ત થઇ રહ્યા છે.
તેમના સ્થાને કોઈની નિમણુક થાય એવી શક્યતા છે. ગાંધીને ગુજરાત રેરામાં નિમણુક આપવામાં આવી છે એટલે નિવૃત્તિ પછી તે રેરાની કામગીરી ચાલુ રાખે તેવી શક્યતા છે. માહિતી વિભાગના વડા પારેખ નિવૃત્ત થઇ રહ્યા છે પણ તેમને નિવૃત્તિ પછી મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓફિસર ઓન સ્પેશીયલ ડયુટી તરીકે કરાર આધારિત નિમણુક આપવામાં આવે તેવી શક્યતા છે. પણ, માહિતી ખાતામાં કોઈ નવા અધિકારીને લાવવામાં આવે તેવી ચર્ચા સચિવાલયના વર્તુળોમાં થઇ રહી છે.
પોલીસમાં સુરતના કમિશ્નર અજય તોમર આ મહીને નિવૃત્ત થઇ રહ્યા છે સુરત રેન્જના ઇન્સ્પેકટર જનરલ ચંદ્રશેખર સીબીઆઈમાં ડેપ્યુટેશન ઉપર જોડાયેલા છે એટલે એ જગ્યા પણ ખાલી પડેલી છે. આ ઉપરાંત, અમદાવાદ ગ્રામ્ય, આણંદ અને મહેસાણાના એસપીની જગ્યાઓ પણ ખાલી પડેલી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે વિધાસભાના બજેટ સત્ર બાદ રાજ્યમાં અધિકારીઓ અને પોલીસ મહેકમમાં બદલીઓ અંગેના ઓર્ડર આવે તેવી શક્યતા છે. રાજ્યમાં અત્યારે જરૂરીયાત કરતા આઈએએસ અધિકારીઓની સંખ્યા ઓછી હોવાથી ઘણા અધિકારીઓ એક કરતા વધારે વિભાગ કે નિગમના ચાર્જ સંભાળી રહ્યા છે અને એવી કેટલાય વિભાગ છે જેમાં નિવૃત્ત અધિકારીને એક્સ્ટેન્શન કે કરાર આધારિત નિમણુક કરવામાં આવી છે.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ પાસે પોર્ટ અને પરિવહનનો પણ વધારાનો હવાલો છે. શહેરી વિકાસ શહેરી મકાનો વિભાગના મુખ્ય સચિવ અશ્વિની કુમાર પાસે રમતગમત, યુવા અને સંસ્કૃતિ વિભાગ છે તો પંચાયતના મુખ્ય સચીવ મોના ખંધાર પાસે આઈટી, સાયન્સ અને ટેકનોલોજી વિભાગનો પણ ચાર્જ છે. આવી જ રીતે જુલાઈમાં અધિક મુખ્ય સચિવ કેડરમાં ફરજ બજાવતા વધુ એક વરિષ્ઠ અધિકારી એ કે રાકેશ પણ નિવૃત્ત થઇ રહ્યા છે. રાકેશ પાસે અત્યારે કૃષિ વિભાગ છે.