Weather Update :ભારતીય હવામાન વિભાગએ દેશના કેટલાક રાજ્યોમાં આગામી થોડા દિવસો સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે
Weather Update :કાળઝાળ ગરમી વચ્ચે વરસાદના સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગએ દેશના કેટલાક રાજ્યોમાં આગામી થોડા દિવસો સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેના કારણે વાતાવરણ ખુશનુમા રહી શકે છે. ભારતીય હવામાન વિભાગએ જણાવ્યું છે કે, 29 માર્ચ સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાજવીજ અને વીજળી સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અને આ પછી હવામાન બદલાશે અને લોકોને ગરમીનો અહેસાસ થશે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 30 માર્ચથી 2 એપ્રિલ સુધી વરસાદની સંભાવના છે. ત્યારે આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળમાં 31 માર્ચ સુધી ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ થવાની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગએ કહ્યું છે કે બિહાર, ઝારખંડ અને ઓડિશામાં 30 અને 31 માર્ચે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન સાથેનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાનમાં હવામાનની સ્થિતિને અસર કરશે. અન્ય એક તાજી પશ્ચિમી વિક્ષેપ આગામી થોડા દિવસોમાં પશ્ચિમ હિમાલય પ્રદેશમાં હવામાનની સ્થિતિને અસર કરશે. આ કારણે 31 માર્ચ સુધી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.