Weather Update :ગુજરાતીઓએ ગુજરાતમાં હવે ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે, આગામી દિવસોમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થશે
Weather Update :ગુજરાતીઓએ ગુજરાતમાં હવે ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. આગામી દિવસોમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થશે. માર્ચના અંત સુધીમાં તાપમાનનો પારો વધીને 40 ડિગ્રીને પાર થઇ શકે છે. ગુજરાતમાં હજી તો ગરમીની શરૂઆત થઇ છે ત્યાં જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેવામાં હિટવેવની સાથે રાજ્યમાં ઉનાળામાં જળસંકટ આવી શકે છે.
ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રના જળાશયોમાં માત્ર 40 ટકા ઓછું પાણી બચ્યું છે. તો રાજ્યના કુલ જળાશયોમાં માત્ર 57 ટકા જેટલું પાણી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ રાજ્યમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. ગુજરાતમાં જળસંકટ આવી શકે તેવા પણ એંધાણ છે. ત્યારે ગુજરાતના મોટાભાગે હિટવેવના વિસ્તારોમાં તાપમાન 39- 40 ડિગ્રી રહેવાની શક્યતા છે. કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને, અમરેલીમાં હિટવેવની આગાહી છે. જેમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે.પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, કચ્છમાં ભીષણ ગરમી પડશે. તો ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી છે. અત્યાર સુધી મોટાભાગના શહેરોનું તાપમાન 38 ડિગ્રી ઉપર નોંધાયું છે. અહીં ઉલ્લેખનિય છે કે દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનથી ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.