Weather Update :અમદાવાદમાં ગરમીનો પારો 39 ડિગ્રી સુધી જઈ શકે તેવી આગાહી કરાઈ
Weather Update :હાલ દેશના અનેક ભાગોમાં હવામાનનો મિજાજ બદલાયેલો છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા દિવસોમાં પહાડો પર હળવી હિમવર્ષા અને વરસાદ ફરીથી શરૂ થઈ શકે છે. જ્યારે મેદાની વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ પશ્ચિમી હિમાલયી વિસ્તારોમાં 11થી 13 માર્ચ સુધીમાં હળવો વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે. જ્યારે 12 અને 13 માર્ચના રોજ મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. પરંતુ ગુજરાતમાં તો હવામાનનો કઈક અલગ જ મિજાજ જોવા મળી રહ્યો છે.
Weather Update :રાજ્યના હવામાન ખાતા દ્વારા ગુજરાત માટે આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે. 2 થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે. હાલ પવનની દિશા ઉત્તર થી ઉત્તર પૂર્વ તરફ જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન આગામી સમયમાં યથાવત રહે તેવી શક્યતા છે.
હવામાન અંગેની આગાહી કરતી એજન્સીના જણાવ્યાં મુજબ 10 માર્ચ બાદ ગરમીમાં વધારો થઈ શકે છે. આગામી 11 માર્ચથી 29 માર્ચ સુધીમાં અમદાવાદમાં ગરમીનો પારો 39 ડિગ્રી સુધી જઈ શકે તેવી આગાહી કરાઈ છે. જેના પગલે 11-12 માર્ચના 35, 13થી 16 માર્ચ દરમિયાન 34, 17થી 29 માર્ચ દરમિયાન 36થી 39 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળી શકે છે. ત્યારે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ ખાસ કાળજી લેવાની જરૂર છે. કારણ કે ગુજરાતમાં બોર્ડની પરીક્ષા પણ 11 તારીખથી શરૂ થઈ રહી છે.
તબીબોના મતે પરીક્ષાર્થીઓએ આ દરમિયાન નિયમિત રીતે પાણી પીતા રહેવું જોઈએ. પરીક્ષાના દબાણમાં વિદ્યાર્થીઓ પાણી પીવાનું ટાળતા હોય છે પરંતુ તેવું બિલકુલ ન કરવું. આવી ગરમીમાં શરીરમાં ડિહાઈડ્રેશન ન થાય તે ધ્યાન રાખવું જરૂરી છે. ઘરે પહોંચ્યા પછી પણ લીંબુ પાણી કે ઓઆરએસ વગેરે લઈ લેવું જોઈએ તથા બહારની ખાણીપીણીથી દૂર રહેવું જોઈએ.
IMD ના જણાવ્યાં મુજબ જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં 10થી 12 માર્ચ સુધીમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની આગાહી છે. આ ઉપરાંત પંજાબમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. IMD એ પોતાના પૂર્વાનુમાનમાં કહ્યું છે કે 12થી 13 માર્ચના રોજ હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 13 માર્ચના રોજ વરસાદ પડી શકે છે.