Vadodara News :નંદેસરીમાં હાઇડ્રોલિક પંપથી ઓપરેટ થતા વિદેશી દારૂના ગોડાઉનને પીસીબી પોલીસે ઝડપી પાડયું હતું, પોલીસે ભોંયરામાંથી ૧૪.૯૨ લાખનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો
Vadodara News :વડોદરા, નંદેસરીમાં હાઇડ્રોલિક પંપથી ઓપરેટ થતા વિદેશી દારૂના ગોડાઉનને પીસીબી પોલીસે ઝડપી પાડયું હતું. પોલીસે ભોંયરામાંથી ૧૪.૯૨ લાખનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, નંદેસરી રોડ રામપુરા ગામ જગતપુરા ફળિયામાં રહેતો મહેશ ઉર્ફે ભુરિયો પ્રવિણભાઇ ગોહિલ વિદેશી દારૂનો ધંધો કરે છે. તેણે પોતાના ઘરમાં ભોંયરૂ બનાવી દારૂનો મોટો જથ્થો સંતાડયો છે. જેથી, પીસીબી પી.આઇ. એસ.ડી. રાતડાની સૂચના મુજબ સ્ટાફના જવાનોએ ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરી હતી. પોલીસે ઘરમાં જઇને તમામ રૂમોમાં ચેકિંગ કર્યુ હતું. તે દરમિયાન બેઠક રૂમ પછીના બીજા રૂમમાં ફ્લોર પર બેસાડેલી ટાઇલ્સો પૈકી વચ્ચેની બે ટાઇલ્સના નીચેના ભાગે ભોંયરૂ હોવાનું જણાઇ આવ્યું હતું.
બંને ટાઇલ્સની કિનારીએ એપોક્સી ભરી પતરાની ચિપ્સ લગાવી હતી. આ બંને ટાઇલ્સની નીચે લંબ ચોરસ પ્લેટ હતી. જેનું ચોર ખાનું ખોલવા તથા બંધ કરવા માટે હાઇડ્રોલિક ઓઇલ પંપનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઓઇલ પંપની પાઇપ બેઠક રૂમના ઇલેક્ટ્રિક સ્વીચ બોર્ડના અંદરના ભાગે લગાડી હતી. હાઇડ્રોલિક પંપ પણ બેઠક રૂમમાં મૂક્યો હોવાથી તેના વડે પંપીંગ કરતા બીજા રૂમમાં બનાવેલું ભોંયરૂ ખૂલતું હતું.
પોલીસે ભોંયરામાંથી વિદેશી દારૂની ૮,૬૨૮ બોટલ તથા બિયરના ૫,૫૪૪ ટીન મલી કુલ રૂપિયા ૧૪.૯૨ લાખનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે દારૂ બે મોબાઇલ ફોન સહિત ૧૫.૧૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.