Vadodara News :ગટરના પાણીના વહેણમાં 35 થી 40 વર્ષની એક અજાણી મહિલાની લાશ બંને હાથ વાદળી કલરના કપડા વડે બાંધી દીધેલી હાલતમાં મળી હતી
Vadodara News :પાદરા તાલુકાના કરખડી ગામની સીમમાં આવેલા કોતરમાંથી ગટરના પાણીના વહેણમાં 35 થી 40 વર્ષની એક અજાણી મહિલાની લાશ બંને હાથ વાદળી કલરના કપડા વડે બાંધી દીધેલી હાલતમાં મળી હતી. આ અંગેની જાણ કરખડી ગામના સુરેશ ફોગટભાઇ પરમારે વડુ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગટરના પાણીના વહેણમાંથી અજાણી મહિલાની લાશ બહાર કાઢી હતી.
આ મહિલાને ડાબી આંખની ઉપર અને નીચેના ભાગે તેમજ બંને પગના ઢીંચણથી નીચેના ભાગે કોઈ બોથડ પદાર્થ મારીને તેનું મોત નીપજાવ્યું હતું. બાદમાં લાશને પાણીમાં નાખી દીધી હતી. આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અજાણી મહિલા કોણ છે તેની ઓળખ માટે તેમજ તેની હત્યા કોણે અને કયા કારણોસર કરી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.