Top News :આણંદના ખંભાતના વત્રા ગામેથી ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો મુન્નાભાઈ એમબીબીએસ પકડાયો
Top News :આણંદના ખંભાતના વત્રા ગામેથી ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો મુન્નાભાઈ એમબીબીએસ પકડાયો. અલગ-અલગ પ્રકારની દવાઓ, ઈન્જેક્શનો તેમજ મેડિકલ પ્રેક્ટીસમાં ઉપયોગમાં લેવાતા સાધનો કબ્જે કરાયા. આણંદ એસઓજી પોલીસે આજે ખંભાત તાલુકાના વત્રા ગામે બજારમાં કોઈપણ પ્રકારનું મેડિકલ સર્ટીફીકેટ ના હોવા છતાં પણ દવાખાનુ ચલાવીને ગ્રામજનોનો સ્વાસ્થય સાથે ચેડાં કરતા મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર પોલીસને માહિતી મળી હતી કે, વત્રા ગામના ગેટ પાસે આવેલા બજારમાં અભિજીત રોય નામનો શખ્સ વગર ડીગ્રીએ બોગસ દવાખાનું ચલાવીને ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરી રહ્યો છે. જેથી પોલીસે કલમસર પીએચસીના મેડિકલ ઓફિસર સાથે છાપો મારતા મુળ પશ્ચિમ બંગાળનો અભિજીત જગદીશભાઈ રોય ઝડપાઈ જવા પામ્યો હતો. તેની પાસે ડોક્ટર તરીકે સેવા આપવા માટેનું ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્રની માંગણી કરતા તેની પાસે આવું કોઈ પ્રમાણપત્ર નહીં હોવાનું જણાવ્યું હતું.
જેથી પોલીસે તેને અટકાયતમાં લઈને તપાસ કરતા દવાખાનામાંથી અલગ-અલગ પ્રકારની દવાઓ, ઈન્જેક્શનો, મેડિકલ પ્રેક્ટીશમાં ઉપયોગમાં લેવાની સાધન સામગ્રી વગેરે મળીને કુલ ૧૧,૨૯૭ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.જે જપ્ત કરીને ખંભાત રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.