Top News :ખિસ્સા કાતરુંઓ યાત્રામાં ભીડનો લાભ ઉઠાવીને નેતાઓને શિકાર બનાવી રહ્યા છે
Top News :રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલ ગુજરાતમાં પહોંચી છે. આજે યાત્રાનો ત્રીજો દિવસ છે અને આવતીકાલે 10 તારીખે યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. રાહુલની યાત્રામાં હજારોની સંખ્યામાં રોજ જનમેદની ઉમટી રહી છે. આ વચ્ચે ખિસ્સા કાતરુંઓ યાત્રામાં ભીડનો લાભ ઉઠાવીને નેતાઓને શિકાર બનાવી રહ્યા છે. શુક્રવારે બોડેલીની સભામાં ખિસ્સા કાતરુંએ વડોદરા મનપા વિપક્ષના નેતાનું ખિસ્સું કાતરી નાખ્યું હતું.
શુક્રવારે બોડેલીમાં રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાહુલ ગાંધીની સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. દરમિયાન ખિસ્સા કાતરુંઓએ વડોદરા મનપાના વિપક્ષના આગેવાન ચંદ્રકાત શ્રીવાસ્તવના ખિસ્સામાંથી 45,000 રૂપિયા સેરવી લીધા હતા. ભીડનો લાભ લઈને ખિસ્સા કાતરુંએ અનેક લોકોને શિકાર બનાવ્યા હતા. કેટલાક લોકોના પર્સ તો કેટલાકના મોબાઈલ ચોરાઈ ગયા હતા.
સભામાંથી 20થી 25 જેટલા લોકોનો માલસામાન ચોરી થયો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે પણ તપાસ શરૂ કરી હતી અને એક શખ્સને પકડી લીધો છે. નોંધનીય છે કે, રાહુલ ગાંધી 4 દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે યાત્રાના ત્રીજા દિવસે તેઓ નર્મદામાં પહોંચ્યા હતા. આવતીકાલે તેમની યાત્રા ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.