Top News :એ.પી.જે. અબ્દુલ કલામ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ધારણા પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું
Top News :સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસની એ.પી.જે. અબ્દુલ કલામ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ધારણા પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું. પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવેલા લેપટોપના વિતરણમાં ભેદભાવ રખાયો હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.
હાલમાં જ સેલવાસમાં કલેકટર કચેરીની સામે આવેલા કોર ગ્રાઉન્ડ ખાતે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા વિકસિત ભારત મોદીની ગેરંટી અંતર્ગત ભારત સરકારના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે વિદ્યાર્થીઓને સાયકલ અને લેપટોપ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં અમુક વિદ્યાર્થીઓને હજી સુધી લેપટોપ ન મળ્યું હોવાના કારણે વિદ્યાર્થીઓમાં કચવાટ જોવા મળી રહ્યો હતો અને વિરોધના સૂર ઉઠી રહ્યા હતા. ત્યારે આજરોજ સેલવાસના ડોકમરડી ખાતે આવેલ એ.પી.જે. અબ્દુલ કલામ કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જેમને પ્રશાસન દ્વારા વિતરિત કરવામાં આવેલા લેપટોપમાં ભેદભાવની નીતિ થઈ હોઈ અને તેમને લેપટોપ મળ્યું ન હોવાના આક્ષેપ સાથે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.
મોટી સંખ્યામાં એકત્ર થયેલા વિદ્યાર્થીઓ એ કલેકટર કચેરી પાસે રસ્તા પર બેસી ટ્રાફિક જામ કરી વિરોધ પ્રદર્શન આયોજિત કર્યું હતું. આ પ્રમાણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરતા પ્રશાસન અને પોલીસ વિભાગ હરકતમાં આવી જવા પામ્યું હતું. અને પ્રદેશના મામલતદાર સહિત પ્રશાસનિક અધિકારીઓની સાથે પોલીસ વિભાગ બનાવ સ્થળે પહોંચી વિદ્યાર્થીઓ ને સમજાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. અને ધરણા પ્રદર્શન સમેટી લેવા અપીલ કરી હતી.
અંતે પ્રદેશના કલેકટર પ્રિયાંક કિશોર ને સમગ્ર બાબતની જાણ થતાં તેઓ પોતાની ઓફિસમાંથી નીચે ઉતરવાની ફરજ પડી હતી. અને વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પાસે આવી 4 થી 5 જેટલા વિદ્યાર્થીઓ તેમની ચેમ્બરમાં આવી જરૂરી રજૂઆત કરવાનું જણાવી વિરોધ પ્રદર્શનને સમેટી લેવા અરજ કરી હતી. સાથે આ બાબતે યોગ્ય ઘટતું કરવાની બાહેંધરી આપતા વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શનને સમેટી લીધું હતું.