Surat News :સુરતના કતારગામમાં પાલિકાના ડમ્પર ચાલક બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે
Surat News :સુરતના કતારગામમાં પાલિકાના ડમ્પર ચાલક બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. ડમ્પર ચાલકે નોકરી પર જઈ રહેલી મોપેડ સવાર મહિલાને અડફેટે લઈ કચડી નાખતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને ડમ્પર ચાલકને ઝડપી પાડયો હતો. આ સાથે જ ડ્રાઇવર દારૂના નશામાં હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.
કતારગામ વિસ્તારમાં આવેલા શક્તિ ડાયમંડ એપાર્ટમેન્ટમાં 45 વર્ષીય મનીષા નિકુંજભાઈ બારોટ પરિવાર સાથે રહેતા હતા. નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. આજે સવારે મનીષાબેન મોપેડ લઈને નોકરી પર જાવ નીકળ્યા હતા. આ દરમિયાન કતારગામ વિસ્તારમાં જ પૂરપાટ ઝડપે દોડી રહેલા પાલિકાના ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા.
મોપેડ સવાર મનીષાબેનને ડમ્પર ચાલકે અડફેટે લેતાં તેઓ નીચે પટકાઇ ગયા હતા. ત્યારબાદ તેને કચડી નાખતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ડમ્પર ચાલકને પકડી પાડ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આ સાથે જ લોકો દ્વારા ડમ્પર ચાલક દારૂના નશામાં હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.
અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ડમ્પર ચાલકને પોલીસ હવાલે કરી દીધો હતો. જોકે લોકોના રોષના પગલે પોલીસની વાનને પણ ઘેરી લેવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા મહિલાના પરિવારજનોને જાણ કરવામાં આવી છે ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવશે.
મનિષાબેન બારોટના પતિનું દસ વર્ષ પહેલા અવસાન થઈ ચૂક્યું છે. જ્યારે તેમને એક 16 વર્ષની દીકરી છે. જેની હાલ ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થઈ છે. મનિષાબેન રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એકની એક દીકરીએ નાનપણમાં જ પિતા ગુમાવ્યા બાદ હવે માતાને પણ ગુમાવી દેતા નિરાધાર બની ગઈ છે.