Surat News :સુરત જિલ્લાના પલસાણાના કડોદરા વિસ્તારમાં યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી
Surat News :સુરત જિલ્લાના પલસાણાના કડોદરા વિસ્તારમાં યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. અન્યોની બબાલમાં વચ્ચે પડેલા યુવકને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં એક જુવેનાઇલ સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
સુરતના કડોદરા વિસ્તાર દિવસે દિવસે ગુનાઓ અને ગુનેગારો માટે આશ્રય સ્થાન બની રહ્યો છે. રોજે રોજ કોઈકને કોઈક ગુનાઓ આ વિસ્તારમાં બનતા રહે છે. ગઈકાલે પણ એક 5 દિવસથી ગુમ 10 વર્ષીય બાળકીની લાશ મળી આવી હતી. પોલીસ તેની તપાસમાં લાગી છે ત્યાં તો સાંજે કડોદરા ચાર રસ્તા નજીક આવેલા અરિહંત પાર્ક વિસ્તારમાં યુવકનું ચપ્પુના ઘા ઝીકી ઢીમ ઢાળી દેવાયું.
અરિહંત પાર્ક વિસ્તારમાં રહેતો અને માથાભારેની છાપ ધરાવતો માત્ર 18 વર્ષનો શિવમ નામનો યુવક પોતાના પરિચિતના ઘરે બેઠા હતો. દરમ્યાન પરિચિત પરિવારની મહિલાના મોબાઈલ પર કોલ આવ્યો હતો અને તેના મિત્રના ઘરે ત્રણ લોકો બબાલ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પરિચિત મહિલાનો દીકરો ત્યાં જવા નીકળતો હતો, તેની સાથે શિવમ પણ ગયો હતો.
જોકે અન્ય લોકોની સામાન્ય બબાલમાં શિવમ પડતા બબાલ કરી રહેલા વિશાલ નામના યુવકે શિવમને છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીકી દીધા અને અને ત્રણેય યુવકો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. જોકે સ્થાનિકો શિવમને તરત જ હોસ્પિટલે સારવાર અર્થે લઇ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ શિવમનું મોત નીપજ્યું હતું.