Surat News :બ્યુટીપાર્લરના ધંધામાં 30 હજાર રૂપિયા સુધીની કમાણીની લાલચ આપીને તેના ટૂંકા કપડામાં વીડિયો ઉતારી લીધા
Surat News :સુરતના અમરોલીમાં 14 વર્ષની સગીરા અચાનક ગુમ થઈ ગઈ હતી. જેની પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બ્યુટીપાર્લરના ધંધામાં 30 હજાર રૂપિયા સુધીની કમાણીની લાલચ આપીને તેના ટૂંકા કપડામાં વીડિયો ઉતારી લીધા. બાદમાં આ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને રાજસ્થાનમાં લઈ જઈને દેહવ્યાપારના ધંધામાં ધકેલી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલામાં અમરોલી પોલીસે પતિ-પત્ની સહિત 5 લોકોની ધરપકડ કરી છે.

વિગતો મુજબ, યુપીના પરિવારની 14 વર્ષની સગીરા 8 માર્ચના રોજ અચાનક ગુમ થઈ ગઈ હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જેમાં મોનીરાખાતુન નામની મહિલાની ધરપકડ કરાઈ હતી. જેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, સગીરાને દેહવિક્રયના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી. પોલીસે આ ઘટનામાં માસ્ટરમાઈન્ડ 28 વર્ષના સૈદુલ મોલ્લા તથા તેની પત્ની મોહિમા મોલ્લાની ધરપકડ કરી હતી. સાથે જ રાજસ્થાનથી અન્ય 2 લોકોની ધરપકડ કરી હતી.
મોહિમાએ સગીરાને બ્યૂટીપાર્લરમાં કામ કરીને કમાણીની લાલચ આપીને તેને પોતાની સાથે લઈ ગઈ હતી. બાદમાં સગીરાને ટૂંકા કપડામાં ડાન્સ કરાવીને વીડિયો ઉતારી લીધો હતો અને તેને વાઈરલ કરવાની ધમકી આપીને રાજસ્થાનમાં લઈ ગયા હતા. અહીં હોટલમાં રાખીને ગ્રાહકો મોકલી દેહવ્યાપારનો ધંધો કરાવ્યો હતો. પોલીસે આરોપીઓને પકડીને આ ધંધામાં અન્ય કોણ સામેલ છે અને સગીરા પર કોણે દુષ્કર્મ આચર્યું તે મામલે તપાસ શરૂ કરી છે.