Surat News :સુરતના સિંગણપોર વિસ્તારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસ મામલે પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
Surat News :સુરતના સિંગણપોર વિસ્તારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસ મામલે પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ સમગ્ર કેસમાં ન્યાયિક તપાસની માંગ મૃતકના પરિવારે કરી છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે આજ રોજ સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે સુરત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે” મેં વિશ્વાસ કર્યો એ સૌથી મારી મોટી ભૂલ હતી” તે પ્રકારનો મૃતક મહિલા કોન્સ્ટેબલે સુસાઇડ નોટમાં કરેલા ઉલ્લેખ ઉપરથી કયા વ્યક્તિના નામનો આ ઉલ્લેખ કરાયો છે તે પોલીસ માટે સૌથી મોટો તપાસનો વિષય બની રહે છે.
સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી વર્ષાબેન ચૌધરી નામની મહિલા પોલીસ કોન્સ્ટેબલે સિંગણપોર વિસ્તારમાં આવેલા મહેશ્વરી એપાર્ટમેન્ટના ફ્લેટમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ગત રોજ મોડી સાંજે મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસનો દૌર શરૂ કર્યો હતો. સિંગણપોર પોલીસની તપાસમાં ઘટના સ્થળ પરથી મૃતક દ્વારા લખવામાં આવેલી સુસાઇડ નોટ પોલીસે કબજે કરી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી. મહિલા પોલીસ કોન્સ્ટેબલના મૃતદેહને પીએમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આજરોજ પીએમ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મહિલા પોલીસ કોન્સ્ટેબલના મૃતદેહનો કબ્જો પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. જે દરમિયાન સુરત પોલીસ દ્વારા મહિલા પોલીસ કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જે બાદ પરિવારજનો મૃતદેહને લઈ અંતિમ વિધિ માટે નિવાસસ્થાન ખાતે લઇ ગયા હતા. જોકે આ દરમિયાન મૃતકના પરિવારજનોએ સમગ્ર કેસમાં ન્યાયિક તપાસની માંગ કરી છે.