Salaya News :રાજ્ય સરકાર દ્વારા સરકારી જમીનો પર ગેરકાયદે દબાણો દૂર કરવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે
Salaya News :રાજ્ય સરકાર દ્વારા સરકારી જમીનો પર ગેરકાયદે દબાણો દૂર કરવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આજે દ્વારકાના સલાયામાં ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે. સલાયા બંદરે જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. રેલવેની જમીન પર છેલ્લા ઘણા સમયથી કાચા-પાકા મકાનબાંધી રહીશો વસવાટ કરી રહ્યા હતા. આ ગેરકાયદે બાંધકામને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા છે.

Salaya News :જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કરી રેલવે વિસ્તારની જમીન પર દબાણ કરવામાં આવ્યુ હતું. આ દબાણો દૂર કરવા માટે રહીશોને તંત્રએ વારંવાર નોટિસો આપી હતી. પરંતુ તેમ છતાં રહીશો દ્વારા અવગણના કરવામાં આવતી હતી. જેને પગલે તંત્ર દ્વારા લાલઆંખ કરવામાં આવી છે. તંત્ર દ્વારા પોલીસ કાફલા સાથે અહી પહોચ્યા હતા જેને પગલે સવારથી જ માહોલ તંગ બન્યો હતો. પરંતુ મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર હોવાથી કોઇ અનિચ્છનિય ઘટના બની ન હતી. જો કે સ્થાનિક રહીશોમાં નારાજગી જોવા મળી રહી હતી.
ઘરવીહોણા બની ગયેલા લોકોએ તંત્ર સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. કેટલાક લોકોએ બુલડોઝર ફરી વળે એ પહેલા જ ઘરમાંથી પોતાની ઘરવખરી ખાલી કરી હતી. જે રહીશો દ્વારા દબાણ હટાવવાનો ઇનકાર કરવામાં આવ્યો આવા દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. નોધનીય છે કે, આ જમીન રેલવે વિભાગની હતી. જેના પર છેલ્લા ઘણા સમયથી લોકોએ કબજો જમાવીને ઝુંપડા બાંધી દીધા હતા. અને વસવાટ કરવા લાગ્યા હતા. રેલવે તંત્રના ધ્યાને આવતા તેમણે રહીશોને જમીન ખાલી કરવા નોટિસ ફટકારી હતી જેની અવગણના કરવામાં આવતા રેલવેએ પોલીસની મદદ માંગી હતી. અને જેસીબી અને પોલીસ કાફલા સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી.
Salaya News :રાજ્ય સરકાર દ્વારા સરકારી જમીનો પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત દ્વારકામાં છેલ્લા એક અઠવાડિયાથી અનેક લોકોને નૉટિસો અપાઇને તંત્રને સાથ સહકાર આપવા કહેવાયું હતું. સ્વેચ્છાએ દબાણો નહી હટાવાતા દ્વારકામાં આજે દાદાનું બુલડોઝર ફરી વળ્યુ છે. સલાયાના જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં થયેલા દબાણ પોલીસ કાફલા સાથે જે.સી.બી. અને હિટાચી જેવા મશીનોથી હટાવી દેવાયા છે. અને રેલવે વિભાગની લાખો ફૂટ જમીન ખુલ્લી કરવામાં આવી છે.
નોધનીય છે કે રાજ્યમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી છેલ્લા કેટલાક સમયથી શરૂ કરાઇ છે. કચ્છના ખાવડામાં ગેરકાયદે બનેલી ત્રણ મદરેસાઓ પર બૂલડૉઝર કાર્યવાહી કરાઇ હતી. આ ત્રણેય મદરેસાઓને તોડી પડાયા છે. કચ્છ અને જામનગર જિલ્લામાં સર્વે અને નકશાના અભ્યાસ બાદ તંત્રએ પોલીસ ટીમને સાથે રાખીને દબાણ દૂર કર્યુ હતું. હજુ પણ રાજ્યમાં સરકારી જમીનો પર ખડકાયેલા દબાણો દુર કરવાની કાર્યવાહી આગળ ચાલુ રહેશે.