Sabarkantha News :સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામે આદિકાળથી હોળી પ્રગટાવી ખુલ્લા પગે અંગારા પર ચાલવાની પરંપરા ચાલી આવે છે
Sabarkantha News :સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામે આદિકાળથી હોળી પ્રગટાવી ખુલ્લા પગે અંગારા પર ચાલવાની પરંપરા ચાલી આવે છે. આ ગામે મહાકાળી માતાજીનું ચમત્કારિક મંદિર આવેલ છે જે મંદિરમાં માતાજીના આશીર્વાદ લઈ હોળીના પવિત્ર દિવસે માતાજીની જ્યોતમાંથી આગ પ્રગટાવી તે આગ લઈ ગામમાં હોળી પ્રાગટ્ય કરવામાં આવે છે. શરૂઆતમાં પ્રજ્વલિત આગને ઠાકોર સમાજના માણસ દ્વારા આગને હાથમાં લઈ પાંચ વખત હોળીની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને ત્યારબાદ હોળી પ્રગટાવામાં આવે છે આ સમયે મુખ્ય હોળીની આજુબાજુમાં અન્ય બે હોળીઓ પણ પ્રગટાવવામાં આવે છે.
Sabarkantha News :હોળી પ્રાગટય બાદ ગામમાં ગત એક વર્ષમાં જન્મેલ બાળકોને તેના સગા સબંધીઓ દ્વારા હોળીની આજુબાજુ પાંચ અથવા અગિયાર વખતે પ્રદક્ષિણા કરાવી દર્શન કરાવવામાં આવે છે. ઉપરાત ભાઈ – બહેનો તથા બાળકો પણ આ હોળી માતાની પૂજા કરતા પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવતા હોય છે.
ત્યારબાદ સમયાંતરે હોળીની આગ શાંત થતા ધગધગતા અંગારાને જમીન પર પાથરવામાં આવે છે અને મહાકાળી માતાજીના જયઘોશ સાથે માઈભક્તો પોતાના શરીર પર કોઈ પણ જાતના આભૂષણ કે ચામડાની વસ્તુ પહેર્યા સિવાય ખુલ્લા પગે પાથરેલ ધખધખતા અંગારા પર શ્રદ્ધા સાથે ચાલતા રહે છે અને પોતાની પરંપરાની ઉજવણી કરતા હોય છે. ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલવા છતાં માઈભક્તોના પગે જાણે કે શીતળતા રૂપી ઠંડક પ્રસરતી હોય તેવો આભાસ થાય છે અને કોઈપણ જાતની ક્ષતિ કે બળતરા થતી નથી.
હોળીની આવી પરંપરા જોવા આજુબાજુના ગામ લોકો અને દેશ વિદેશથી મોટી સંખ્યામાં માઈભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડે છે. કહેવાય છે કે, આદિકાળે આ ગામે પાંડવો આવ્યા હતા અને રાત્રિ રોકાણ કરી આગળના ગામે ગયા હતા ત્યારથી હોળીની આ પરંપરા ચાલી આવે છે ગામના તમામ જાતિના લોકો એક જ સ્થળે ભેગા થઈ કોઈપણ જાતના ભેદભાવ વગર હોળીનો આ પવિત્ર તહેવાર ઉજવે છે અને આદિકાળથી ચાલી આવતી આ પરંપરા નિભાવી રહ્યા છે.