Russia Attack News :રશિયન રાજધાની મોસ્કોની બહાર આવેલા ક્રાસ્નોગોર્સ્ક શહેરમાં ખ્રિસ્તીઓના એક વિશાળ ટોળાને નિશાન બનાવી હુમલો કર્યો હતો
Russia Attack News :રશિયા પર એક ભયાનક હુમલો થયો. ઇસ્લામિક સ્ટેટ (IS)એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી એક નિવેદનમાં મોસ્કોમાં થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે. તેમાં આતંકી જૂથે જણાવ્યું હતું કે તેણે રશિયન રાજધાની મોસ્કોની બહાર આવેલા ક્રાસ્નોગોર્સ્ક શહેરમાં ખ્રિસ્તીઓના એક વિશાળ ટોળાને નિશાન બનાવી હુમલો કર્યો હતો, જેમાં સંખ્યાબંધ લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા.
જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે હુમલો કરનાર આતંકવાદીઓ કઈ દિશામાં ગયા છે. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને તેને ‘મોટી દુર્ઘટના’ ગણાવી હતી અને કહ્યું હતું કે રશિયાની ટોચની તપાસ એજન્સી આ હુમલાને આતંકવાદી હુમલો માનીને તપાસ કરી રહી છે. આ હુમલાને રશિયામાં બે દાયકાનો સૌથી ભયાનક આતંકવાદી હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.
ક્રેમલિન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિનને હુમલા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. રશિયન રોક બેન્ડ પિકનિકના પરફોર્મન્સ માટે ભીડ એકઠી થઈ હતી ત્યારે આ હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ, ચારથી પાંચ બંદૂકધારીઓ ક્રેકો સિટી કોન્સર્ટ હોલમાં ઘૂસી ગયા અને ઓટોમેટિક હથિયારોથી લોકોની ભીડ પર ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા 60 લોકો માર્યા ગયા. 145થી વધુ લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. હુમલાખોરોએ વિસ્ફોટકોનો પણ ઉપયોગ કર્યો હતો. મૃતકાંક વધવાની શક્યતા છે.