Rajkot News :રાજકોટના ગોંડલમાં પ્રેમી-પંખીડાએ પુત્ર સાથે તળાવમાં કૂદીને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે
Rajkot News :રાજકોટના ગોંડલમાં પ્રેમી-પંખીડાએ પુત્ર સાથે તળાવમાં કૂદીને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. બંનેના મૃતદેહને બહાર કાઠવામાં આવ્યા ત્યારે તેમના કમરે દુપટ્ટો અને હાથમાં ચાર્જરનો વાયર બાંધેલો હતો. મહેસાણાના જિલ્લાના લિંચ ગામની પરિણીતા પોતાના પ્રેમી અને 2 વર્ષના પુત્ર સાથે બે દિવસ પહેલા ઘરેથી ભાગી ગઈ હતી. જોકે આખરે બંનેએ પુત્ર સાથે મોતને વ્હાલું કરી લીધું હતું.
વિગતો મુજબ, મહેસાણા જિલ્લાના લીંચ ગામમાં રહેતા સંજય ઠાકોર, કિંજલ ઠાકોર અને તેના 2 વર્ષના પુત્ર ધ્રુવીનના મૃતદેહ ગોંડલના વેરી તળાવના પાણીમાં તરતા મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. જે બાદ તળાવમાંથી ફાયરબ્રિગેડની ટીમે મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ત્રણેયના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતક સંજયના પાટણમાં લગ્ન થયા હતા જ્યારે કિંજલના અમદાવાદમાં લગ્ન થયા હતા અને 2 વર્ષનો એક પુત્ર હતો. બંને બે દિવસ પહેલા જ ઘરેથી ભાગીને ગોંડલ આવ્યા હતા.
પ્રાથમિક વિગત મુજબ, પ્રેમી-પંખીડા પરિણીત હોવાના કારણે એક નહીં થઈ શકે તેવા ડરના કારણે આપઘાત કરી લીધો હોવાનું અનુમાન છે. આપઘાત પહેલા પ્રેમી કપલે તળાવના પગથિયે સેલ્ફી લીધી હતી અને સ્ટેટસમાં ‘છેલ્લો ફોટો’ લખીને તેને મૂક્યો હતો. સંજયે પોતાના મિત્રોને તળાવનું લોકેશન પણ મોકલ્યું હતું અને વીડિયો કોલમાં વાત કરી હતી. બંને વચ્ચે 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો. સમગ્ર મામલે હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.