Rajkot News :રાજકોટના ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા રાજકોટ જિલ્લા ભાજપના વોટ્સએપ ગ્રુપમાં કરેલી પોસ્ટથી વિવાદમાં સપડાયા છે
Rajkot News :રાજકોટના ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા (Dr.Mahendra Padalia) રાજકોટ જિલ્લા ભાજપના વોટ્સએપ ગ્રુપમાં કરેલી પોસ્ટથી વિવાદમાં સપડાયા છે. મહેન્દ્ર પાડલીયાના નંબર પરથી હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા તે પહેલા તેઓએ ભાજપ વિરુદ્ધ કરેલા નિવેદનનો વાયરલ વીડિયો વોટ્સ ગ્રુપમાં શેર કરવામાં આવ્યો હતો. જે બાદ આ પોસ્ટના સ્ક્રિનશોટ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. મહેન્દ્ર પાડલીયાના નંબર પરથી ગ્રુપમાં વીડિયો શેર કરવામાં આવતા રાજકોટનું રાજકારણ ગરમાયું છે.

ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા (MLA Mahendra Padalia)એ આ પોસ્ટ બાબતે પોતાનો બચાવ કર્યો છે. MLA પાડલીયાએ જણાવ્યું કે, ‘મારા નંબર પરથી આવું મુકાયું હોવાનું સામે આવ્યું છે, સોશિયલ મીડિયાની ટેકનિકનો દુરુપયોગ કરી આવું કર્યું હોવાનું સામે આવ્યું છે. આ બાબતે હું કઈ જાણતો નથી, હાર્દિક ભાઈ તો અમારા ધારાસભ્ય છે, આ બાબતે હું સાયબર ક્રાઈમના અધિકારીઓની સલાહ લઈને આગળની કાર્યવાહી કરીશ.’
ગત 23 ફેબ્રુઆરીના રોજ મહેન્દ્ર પાડલીયાના વોટ્સએપ નંબર પરથી જિલ્લા ભાજપના ગ્રુપમાં વીડિયો મુકાયો હતો. વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના જૂના વિવાદિત વીડિયોમાં ભાજપ વિરોધી સુર હતા, 25 તારીખે વડાપ્રધાન આવી રહ્યા હતા એ પહેલાનો વીડિયો ધારાસભ્યના નંબર પરથી પોસ્ટ થયો હતો. હાર્દિક પટેલના વીડિયોમાં નીચે લખાણ લખવામાં આવ્યું હતું કે, ‘જ્યારે-જ્યારે કંટાળો આવે ત્યારે આ વીડિયો જોઈ લેવો.’