રાજકોટમાં છેલ્લા 5 દિવસથી PGVCLની મુખ્ય કચેરી બહાર વિદ્યુત સહાયક ઉમેદવારો ધરણા કરી રહ્યા હતા. PGVCLમાં ખાલી જગ્યાઓ ભરવાની માંગ લઈને 300થી વધુ ઉમેદવારોની પોલીસ દ્વારા હવે અટકાયત કરી લેવામાં આવી છે.
રાજકોટમાં છેલ્લા 5 દિવસથી PGVCLની મુખ્ય કચેરી બહાર વિદ્યુત સહાયક ઉમેદવારો ધરણા કરી રહ્યા હતા. PGVCLમાં ખાલી જગ્યાઓ ભરવાની માંગ લઈને 300થી વધુ ઉમેદવારોની પોલીસ દ્વારા હવે અટકાયત કરી લેવામાં આવી છે. PGVCLની કચેરી બહાર પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા અને તમામ ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
ઉમેદવારોનું પોલીસ સાથે ઘર્ષણ
PGVCL મુખ્ય કચેરી બહાર વિદ્યુત સહાયક ઉમેદવારોના સતત પાંચ દિવસથી ધરણા ચાલી રહ્યા હતા. જોકે અચાનક પોલીસનો કાફલો ત્યાં પહોંચીને તેમની અટકાયત કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ઉમેદવારોએ PGVCL વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ફરીથી આવીશું તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. ઉમેદવારોએ સરકાર દ્વારા આંદોલન દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.
કોંગ્રેસે ઊર્જામંત્રીને પત્ર લખી ન્યાય માંગ્યો હતો
નોંધનીય છે કે, આજે જ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઊર્જામંત્રી કનુ દેસાઈને પત્ર લખ્યો હતો અને ઉમેદવારોને ન્યાય મળે તેવી માંગ કરી હતી. ધરણમાં કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી મહેશ રાજપૂત પણ જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા આરોપ લગાવાયો હતો કે, 5 દિવસના સતત ધરણા છતાં PGVCLના પેટનું પાણી નથી હલી રહ્યું. ભરતી અને બદલીઓ માટે PGVCLના HR વિભાગ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો.
PGVCLમાં ખાલી જગ્યાઓ ભરવા ઉમેદવારોની માંગ
વિદ્યુત સહાયક વર્ગ 4ની એક વર્ષ પહેલાં લેવાયેલી પરીક્ષામાં મેરીટમાં આવેલા વિદ્યાર્થીઓની પણ ભરતી કરાઈ નથી. આગામી 12 દિવસમાં વેઈટિંગ લિસ્ટનો સમયગાળો પૂરો થઈ જશે. જેથી આ વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા એળે જશે. PGVCL દ્વારા કહેવાયું નવી પરીક્ષા લઈશું, પરંતુ PGVCLના 46 ડિવિઝનમાંથી માત્ર 8 ડિવિઝનમાં 360થી વધુ વિદ્યુત સહાયકોની જગ્યાઓ ખાલી છે. ત્યારે તે જગ્યાઓ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓની ભરતી કરવા આ યુવાઓની માંગ છે.