Parasottam Rupala’s Statement :રાજકોટ બેઠક પરથી ભાજપે પરસોત્તમ રૂપાલાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે, આ વચ્ચે હવે પરસોત્તમ રૂપાલાના એક નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે
Parasottam Rupala’s Statement :લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. જેઓને ટિકિટ ફાળવી દેવામાં આવી છે. તેઓએ સતત જાહેર સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે રાજકોટ બેઠક પરથી ભાજપે પરસોત્તમ રૂપાલાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. આ વચ્ચે હવે પરસોત્તમ રૂપાલાના એક નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે. તેમના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી છે.
વાયરલ વીડિયો અંગે પરસોતમ રૂપાલાએ કહ્યું કે, ગઈકાલે મેં વાલ્મીકિ સમાજના કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું, ક્ષત્રિય સમાજના આગેવાનોએ આ અંગે રોષ વ્યક્ત કર્યો છે, મારો આશય આપણા રાજવીઓને નીચા દેખાડવાનો નહોતો, તેમ છતાં મારા વીડિયો થકી કોઈની લાગણી દુભાતી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માગુ છું, આ વિષયને અહીંયા જ પૂરો કરવા વિનંતી કરું છું.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના નિવેદન અંગે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, મતો મેળવવા માટે શું બોલવું અને શું ન બોલવું તેનું પરસોત્તમ ભાઈને ભાન રહ્યું નથી, તેઓ મતો માટે ભીખમંગા થઈ રહ્યા છે. મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, રાજપૂતો એ દેશ માટે શું કર્યું છે તેની તમને ખબર હોવી જોઈએ, રાજપૂતો એ બલિદાન ન આપ્યું હોત તો તમે ખેડૂત પણ ન હોત, તેથી મારી માંગ છે કે પરસોત્તમ રૂપાલા મીડિયા સમક્ષ જાહેરમાં માફી માંગે. જો તેઓએ માફી નહીં માંગે તો ક્ષત્રિય સમાજ તેમની સામે આંદોલન કરશે.