Panchmahal News :મસ્જિદ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ફરી વળતા કાદવ કીચડ થવાને કારણે સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ પરેશાન
Panchmahal News :પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા વિસ્તારમાં ગઝનવી મસ્જિદ નજીક આવેલ મેઈન બજાર વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી વારંવાર રોડ ઉપર ફરી વળતું હોવાને કારણે રસ્તાઓ ગંદકીથી ખદબદી ઉઠે છે, જેને કારણે અહીંથી પસાર રાહદારીઓને પડી જવાનો ભય સતાવતો હોય છે સાથે જ અહીંથી પસાર થતાં બાઈક ચાલકોને પણ બાઈક સ્લીપ થવાનો પણ ભય રહેતો હોય છે આવી પરિસ્થિતિ વચ્ચે કેટલીક વાર બાઈક સ્લીપ થવાના બનાવ પણ બની ચુક્યા છે.
તો રાહદારીયો અને દુકાનોમાં ખરીદી માટે આવતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે,જેમાં ગંદા પાણીના કારણે રાહદારીયોના કપડાં પણ બગડતા હોય છે.આ ઉપરાંત ગંદુ પાણી રોડ ઉપર ફરી વળતું હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવાનો પણ ભય સતાવતો હોય છે.જોકે સ્થાનિક વેપારીનું કહેવું છે કે અહીં એકાદ વર્ષ અગાઉ પાલિકા તંત્ર દ્વારા નવીન રોડ બનાવવામાં આવ્યો ત્યારે અહીં ખુલ્લી ગટરો હતી તે તોડીને અંડર ગ્રાઉન્ડ બનાવવામાં આવતા ગટરો ઉભરાતી હોય છે અને ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ફરી વળતું હોવાની સમસ્યા સર્જાતી હોય છે.
આ બાબતે પાલિકા તંત્ર સહિત સ્વાગતમાં પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો ન હોવાનું પણ સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું. હાલ તો આ વિસ્તારમાં આવેલ અંડર ગ્રાઉન્ડ ગટરને ઓપન ગટરમાં ફેરવવામાં આવે અને રોડ ઉપર ફરી વળતા ગંદા પાણીની સમસ્યાનો વહેલીતકે ઉકેલ આવે તેવી સ્થાનિક વેપારીઓ અને રહીશો માંગ કરી રહ્યા છે.