News Update :મેળા વચ્ચે એક દુખદ ઘટના બની છે, ડાકોરના મેળામાં બંદોબસ્તમાં આવેલા SRP જવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે
News Update :ફાગણી પૂનમના મેળામાં ડાકોર જવા ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. રસ્તાઓ ભગવાનના ભક્તોથી ઉભરાયા છે. ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્તો પગપાળા ડાકોર જઈ રહ્યાં છે. સવારથી જ ડાકોર મંદિરમાં ભીડ જોવા મળી રહી છે. ત્યારે મેળા વચ્ચે એક દુખદ ઘટના બની છે. ડાકોરના મેળામાં બંદોબસ્તમાં આવેલા SRP જવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.
News Update :ડાકોરના લોકમેળામાં બંદોબસ્તમાં આવેલા એસઆરપી જવાનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું છે. 40 વર્ષીય રામજીભાઈ પરમાર ડાકોર ફાગણી પૂનમના બંદોબસ્તમાં આવ્યા હતા. સવારે 8:30 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. રામજીભાઈ ભરૂચ જિલ્લામાં ફરજ બજાવવા આવ્યા હતા, તેઓ ડાકોર ફાગણી પૂનમના બંદોબસ્તમાં આવ્યા હતા. ઓફિસ વર્ક કરતા કરતા અચાનક રામજીભાઈને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.
છાતીમાં દુખાવો થતા એમ્બ્યુલન્સ દ્વારા રમેશભાઈને ડાકોર સરકારી હોસ્પિટલમાં સારવારથી ખસેડ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. રામજીભાઈ પરમાર મૂળ ડીસા તાલુકાના વતની છે. હાલ રામજીભાઈના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્સાહ સાથે ભકતો ડાકોર પહોંચી રહ્યાં છે. ડાકોરના ઠાકોરના સાનિધ્યમાં ભક્તો હોળી મનાવવા માંગે છે. ડાકોરના મેળામાં સૌ ભક્તો ઠાકોરજીને લાડ લડાવશે. વાજતે ગાજતે ભક્તો ડાકોર પહોંચી રહ્યા છે. આજે ડાકોરમાં ભક્તો ધજા ચઢાવશે.
તો બીજી તરફ, આજે હોળીના પાવન અવસરે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા હતા. હોળીના પર્વ નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ સફેદ કોટનના વસ્ત્રો અને સોનાના આભૂષણોથી સાજ શણગાર કરાયા હતા.