News Update :ડીસા તાલુકાના વિઠોદર ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો છે
News Update :ડીસા તાલુકાના વિઠોદર ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. આરોગ્ય વિભાગની ટીમે રેડ કરી ગેરકાયદેસર એલોપેથી પ્રેક્ટિસ કરનાર ડોક્ટર પાસેથી 51 હજાર રૂપિયાની દવાઓ સહિતનો જથ્થો જપ્ત કરી તેની સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ઊંટવૈદિયા ડોકટરોનો રાફડો ફાટ્યો છે અને વારંવાર જાગૃત નાગરિકોની ફરિયાદના આધારે જિલ્લા આરોગ્ય અધિકારીએ આવા લોકો સામે તપાસ કરવાનો હુકમ કર્યો છે. જે અંતર્ગત ડીસાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી એમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તમામ મેડિકલ ઓફિસરોએ ગામડાઓમાં ગેરકાયદેસર એલોપીથી પ્રેક્ટિસ કરતા ડોકટરો સામે કાર્યવાહી શરૂ કરી છે. ડીસાના કુચાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. અશોકભાઈ પરમારની ટીમે રેડ કરતા વિઠોદર ગામેથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે.
આરોગ્ય વિભાગની ટીમે રેડ કરતા વીઠોદર ગામે દુકાન ભાડે રાખે રાકેશ પ્રજાપતિ નામનો વ્યક્તિ એલોપેથી પ્રેક્ટિસ કરતો હતો. અધિકારીએ તેની પાસે તપાસ કરતા એલોપેથી પ્રેક્ટિસ માટેનું કોઈ જ ડિગ્રી કે સર્ટી મળ્યા હતા. જેથી દુકાનમાં રાખેલ 51 હજાર રૂપિયાની દવાઓનો જથ્થો પ્રાપ્ત કર્યો છે અને તેની સામે ડીસા તાલુકા પોલીસ મથકે IPC કલમ 336 અને ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટીસનર એક્ટ કલમ 30 મુજબ ફરિયાદ નોંધાવી છે. તેમજ લોકોની જિંદગી જોખમાય તે રીતે ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરી બેદરકારી દાખવનાર ડોક્ટર સામે આરોગ્ય વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.