News Update :નડિયાદમાંથી કાર અને 1.26 લાખનો દારૂ ઝડપાયો
News Update :ગયા વર્ષે ટુંડેલ ગામની સીમમાં એક પોલ્ટ્રી ફાર્મમાં ચાલતા વિદેશી દારૂના મોટા કટિંગ પર વસો પોલીસ ત્રાટકી હતી. તે બુટલેગર ગિરીશ પ્રજાપતિ ફરી એકવાર પોલીસના ઝપેટમાં આવ્યો છે. વિદેશી દારૂનો મુદ્દામાલ વેચાણ અર્થે કટીંગમાં લઈ જવાતો હતો, તે દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સપાટો બોલાવી કટીંગ કરવા નીકળેલા એક આરોપી સહિત કાર અને રીક્ષાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ પૂછપરછમાં ગિરીશ પ્રજાપતિનું નામ ખુલ્યું છે. પોલીસે ૪ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી છે.

News Update :નડિયાદ પશ્ચિમમાં વિદેશી દારૂના વેપલામાં વોન્ટેડ અને લિસ્ટેડ બુટલેગર ગીરીશ પ્રજાપતિ કુખ્યાત બન્યો છે. આજે સ્ટેટ મોનીટરીંગની સેલને ચોક્કસ માહિતી મળી હતી કે, નડિયાદમાં કેનાલની બાજુમાં રહેતો ગિરીશ પ્રજાપતિ નામનો બુટલેગર શહેરમાં અલગ અલગ જગ્યાએ દારૂનો જથ્થો સપ્લાય કરે છે. જે માહિતીના આધારે ગત મોડી રાત્રે વિજિલન્સ પોલીસ શહેરના પશ્ચિમ પોલીસ મથકની હદમાં વાઘેશ્વરી માતાજીના મંદિર નજીક પહોંચી હતી.
જ્યાં પાર્ક કરેલ ઇકો કાર જોતા નજીક પહોંચતા કાર ચાલકે કારને પોલીસથી બચવા માટે દોડાવી હતી. જોકે આગળ પાર્ક કરેલા એકટીવા અને મોટરસાયકલને ભટકાડી હતી. જે બાદ આ કાર ચાલક પોલીસ પહોંચે તે પહેલા જ ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. વિજિલન્સ પોલીસે બંદોબસ્ત ગોઠવી બીજી માહિતી મળી હતી ત્યાં નજીકમાં પહોંચી રીક્ષાને પકડી લીધી હતી. અને રીક્ષા ચાલક સાગર ઉર્ફે વીકી અનિલભાઈ બારોટ (રહે. જુના ડુમરાલ રોડ, નડિયાદ) પકડી પાડયો હતો.
News Update :પોલીસે આ બંને વાહનોને યોગ્ય જાપ્તા સાથે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં લાવી બંને વાહનોમાં તપાસ આદરતા અંદરથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેમાં વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી કુલ નંગ ૮૪૪ કિંમત રૂપિયા ૧ લાખ ૨૬ હજાર ૪૦૦ તેમજ બંને વાહનો મળી કુલ રૂપિયા ૫ લાખ ૬ હજાર ૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. પોલીસે આ પકડાયેલા સાગર ઉર્ફે વીકી અનિલભાઈ બારોટની પુછપરછ કરતા બુટલેગર ગિરીશ પ્રજાપતિએ આ દારૂનો જથ્થો સાચવવા માટે આપ્યો હોવાનું જણાવ્યું છે અને તે માટે દૈનિક ૫૦૦ રૂપિયા આપતો હોવાનું વિગતો પોલીસ સમક્ષ કબૂલી છે.
આ બનાવમાં પોલીસે પકડાયેલા ઈસમ સાગર ઉર્ફે વીકી, બુટલેગર ગિરીશ પ્રજાપતિ, કાર મૂકી ભાગી જનાર તેમજ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર આ કારનો માલિક અને ઓટોરિક્ષાના માલિક મળી કુલ ૬ વ્યક્તિઓ વિરુદ્ધ પ્રોહીબીશન નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ટુંડેલના પોલ્ટ્રી ફોર્મમાં દારૂનો મોટો અડ્ડો વસો પોલીસે પકડી પાડયો હતો.
આ દરોડા દરમિયાન બુટલેગર ગિરીશ પ્રજાપતિ સ્થળ પર પકડાઈ ગયો અને ઘટનાની જાણ થતા જ એક વહીવટીયો પોલીસ કર્મચારી સ્થળ પર પહોંચી પહેલા મુદ્દામાલ છોડી દેવા દબાણ કર્યું હતું અને બાદમાં તેની બદી સિદ્ધ ન થતા બુટલેગર ગિરીશ પ્રજાપતિ ને લઈને ભાગી ગયો હતો. ત્યારે આ ઘટનાને એક વર્ષ બાદ ફરી બુટલેગર દારૂ સપ્લાય કરતો હોવાનું સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં ખુલતા પશ્ચિમ પોલીસ સહિત જિલ્લા પોલીસના હેડક્વાટર્સ નડિયાદમાં આવેલા પોલીસના તમામ વિભાગો સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે.