Narmada News :દેશમાં એકબીજુ કોમી ઝઘડાની ઘટનાઓ વચ્ચે નર્મદા જિલ્લામાંથી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે
Narmada News :દેશમાં એકબીજુ કોમી ઝઘડાની ઘટનાઓ વચ્ચે નર્મદા જિલ્લામાંથી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં રાજપૂત સમાજની દીકરીના લગ્નમાં ગામના જ મુસ્લિમ પરિવારે મામેરું ભર્યું હતું. રાજપૂત દીકરીના લગ્નમાં રોકડ રૂપિયા, ફ્રીજ, ટીવી તથા ઘરવખરીનો સામાન મુસ્લિમ પરિવારે આપ્યો હતો. ત્યારે આવા કોમી એકતાના દ્રશ્યો જોઈને સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા.
દરબાર અને મુસ્લિમ પરિવાર વચ્ચે ઘર જેવા સંબંધ
વિગતો મુજબ, નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં બુંજેઠા ગામ આવેલું છે. આ ગામમાં મોટા ભાગના લોકો દરબાર છે અને ગામમાં જ અહેમદભાઈ મન્સૂરી અને હસનભાઈ મન્સૂરી રહે છે. તેઓ વર્ષોથી ગામમાં રહેતા હોવાથી ગામના જ જ્યેન્દ્રસિંહ સાથે તેમના પરિવારના ઘર જેવા સંબંધ હતા. ત્યારે તેઓ જયેન્દ્રસિંહની દીકરીને પણ પોતાની દીકરીની જેમ જ માનતા હતા.
મામેરામાં ફ્રીજ, ટીવી અને રોકડ આપ્યા
જયેન્દ્રસિંહ વાઘેલાની દીકરીના લગ્ન હોવાથી મન્સૂરી પરિવાર દ્વારા ફ્રીજ, ટીવી, કપડા તથા રોકડ રૂપિયા સહિત ઘરવખરીનો સામાન મામેરામાં આપવામાં આવ્યો હતો. ગામની દીકરીના લગ્નમાં મુસ્લિમ પરિવાર દ્વારા મામેરું ભરવામાં આવતા કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. લગ્નમાં મુસ્લિમ પરિવારના સભ્યોની પણ દીકરીની વિદાયને લઈને આંખો ભીની થઈ ગઈ હતી.