Morbi News :જેતપુર મચ્છુ ગામના શખ્સે 10 દિવસ પહેલા જ ગોડાઉન ભાડે રાખી ટાઇલ્સની આડમાં નશાનો કારોબાર શરૂ કર્યાનું ખુલ્યું
Morbi News :મોરબીના રંગપર નજીક ગઈકાલે એલસીબી ટીમે દરોડો પાડી નશાનો કાળો કારોબાર ઝડપી લઈ નશીલી કોડીન સિરપની દોઢેક કરોડની કિંમતની 90 હજારથી વધુ બોટલ ઝડપી લીધી હતી. બાદ હજુ પણ ગણતરી ચાલુ હોવાનું તેમજ ઝારખંડથી નશીલો પદાર્થ મંગાવ્યાનું બહાર આવતા હાલમાં નારકોટિક્સ એકટ મુજબ ગુન્હો નોંધવા તજવીજ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના રંગપર નજીક મોરબી એલસીબી ટીમે ગઈકાલે સેનેટરી અને ટાઇલ્સના ગોડાઉનમાં બાતમીને આધારે દરોડો પાડી ઝારખંડથી મંગવાયેલ નશીલી કોડીન સિરપનો દોઢેક કરોડનો 90 હજાર બોટલ જેટલો જથ્થો ઝડપી લઈ ગોડાઉન સંચાલક મનીષ પટેલ તેમજ કોડીનનો જથ્થો ઉતારવા આવેલા ટ્રક ચાલક અને ક્લીનરને અટકાયતમાં લીધા હતા.
વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં છેલ્લા દસેક દિવસથી ટાઇલ્સના ધંધાના આડમાં નશાનો કાળો કારોબાર શરૂ થયો હોવાનું અને જેતપર મચ્છુ ગામના રવિ મહિપત કંડીયા નામના શખ્સે આ ગોડાઉન ભાડે રાખી કાળો કારોબાર શરૂ કર્યાનું બહાર આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા નશાનો કાળો કારોબાર કરનાર તમામ વિરુદ્ધ નાર્કોટિક્સ એકટ મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.