Manipur Violence :ભીડ અને પોલીસ વચ્ચેની અથડામણમાં પ્રદર્શનકારીઓએ જિલ્લા પોલીસ વડાની ઓફિસની બહાર બસ અને અન્ય વાહનોને આગ ચાંપી દીધી
Manipur Violence :મણિપુરથી ફરી એકવાર હિંસાના સમાચાર સામે આવ્યા છે. મણિપુરના ચુરાચંદપુરમાં ભીડ અને પોલીસ વચ્ચેની અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 25 લોકો ઘાયલ થયા હતા. એક વીડિયોમાં કથિત રીતે હથિયારધારી માણસો સાથે જોવા મળ્યા બાદ જિલ્લા પોલીસના હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા સામે ભીડ વિરોધ કરી રહી છે. પોલીસે કહ્યું કે, જિલ્લામાં તણાવ છે. સસ્પેન્ડ કરાયેલા હેડ કોન્સ્ટેબલ સિયામલાલપોલને પુનઃસ્થાપિત કરવાની માગણી સાથે વિરોધીઓ પોલીસ અધિક્ષકની કચેરીનો ઘેરાવ કરતા જોવા મળ્યા હતા.

મણિપુરના ચુરાચંદપુરમાં ભીડ અને પોલીસ વચ્ચેની અથડામણમાં પ્રદર્શનકારીઓએ જિલ્લા પોલીસ વડાની ઓફિસની બહાર બસ અને અન્ય વાહનોને આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત ટોળાએ ડીસી ઓફિસમાં પણ અનેક વાહનોને આગ ચાંપી હતી. મણિપુર પોલીસે એક પોસ્ટમાં કહ્યું કે, આશરે 300-400 લોકોની સંખ્યાના ટોળાએ આજે પોલીસ અધિક્ષકની ઓફિસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને પથ્થરમારો વગેરે કર્યો.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રેપિડ એક્શન ફોર્સ (RAF) સહિત અન્ય સુરક્ષા દળો ટીયર ગેસના શેલ છોડીને ભીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
ચુરાચંદપુરના એસપી શિવાનંદ સુર્વેએ હેડ કોન્સ્ટેબલ સિયામલાલપોલને આગામી આદેશ સુધી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. પોલીસે તેના આદેશમાં જણાવ્યું હતું કે, આ એક શિસ્તબદ્ધ પોલીસ દળના સભ્ય તરીકે અત્યંત ગંભીર ગેરવર્તન સમાન છે. ચુરાચંદપુર જિલ્લા પોલીસના સિયામલાલપોલ સામે પણ વિભાગીય તપાસની વિચારણા કરવામાં આવી રહી છે.