Makar Sankranti 2024 Latest News: આજે આપણે જાણીશું ગુજરાતના એક એવા ગામ વિશે કે જ્યાં ઉત્તરાયણના દિવસે લોકો પતંગ નથી ચગાવતા પણ એની જગ્યાએ ગ્રામજનો ક્રિકેટ રમીને આ તહેવાર ઉજવે છે
- ઉત્તરાયણના દિવસે આ ગામના લોકો નથી ચગાવતા પતંગ
- ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં છેલ્લા 33 વર્ષોથી પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ
- ગામમાં ઉત્તરાયણની લોકો પશુઓને ઘાસચારો નાખી દાન-પૂર્ણ
- પતંગ નહિ પણ એની જગ્યાએ ગ્રામજનો ક્રિકેટ રમીને ઉજવે છે તહેવાર
ઉત્તરાયણના પર્વને લઈ આજે વહેલી સવારથી જ પતંગરસિયાઓ ધાબા પર ચડી ગયા છે. હવે જો તમને કોઈ એવું કહે કે, એક ગામમાં ઉત્તરાયણના દિવસે લોકો પતંગ નથી ચગાવતા તો તમને કેવું થાય કે કેમ એવું હશે ? આજે આપણે જાણીશું ગુજરાતના એક એવા ગામ વિશે કે જ્યાં ઉત્તરાયણના દિવસે લોકો પતંગ નથી ચગાવતા પણ એની જગ્યાએ ગ્રામજનો ક્રિકેટ રમીને આ તહેવાર ઉજવે છે. જોકે આની પાછળ પણ એક દુ:ખદ ઘટના હોવાનું કહેવાય છે. આ સાથે જો ઉત્તરાયણના દિવસે ગામમાં કોઈ પતંગ ચગાવે તો તેમને દંડ ફટકારવામાં આવે છે.
જાણો શું છે કારણ ?
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં છેલ્લા 33 વર્ષોથી પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ છે. ફતેપુરા ગામમાં ઉત્તરાયણની લોકો પશુઓને ઘાસચારો નાખી દાન-પૂર્ણ કરીને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે. અહીં એક વાત એવી પણ છે કે, ગામના અનેક ઘરો ઉપર કઠેડા ન હોવાના કારણે વર્ષો પહેલા અનેક બાળકોએ પતંગ ચગાવતા જીવ ગુમાવ્યાના કારણે ગામમાં પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ કરાયો છે.
મળતી વિગતો મુજબ ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં ઉત્તરાણ પર્વમાં પતંગ ઉડાડવામાં આવતા નથી.1996માં ઉત્તરાણના દિવસે વીજ કરંટ લાગવાથી બે યુવકોના મોત થયા હતા. જેથી ગામના વડીલો એકઠા થઈ આ પર્વમાં પતંગ નહીં ઉડાડવાનો નિર્ણય લીધો હતો. 1991થી ગામમાં પતંગ ચગાવવા ઉપર કડક પ્રતિબંધ હોવાના કારણે કોઈ પતંગ ચગાવતું નથી.
કોઈ પતંગ ચગાવે તો શું થાય ?
ધાનેરાના ફતેપુરા ગામના લોકો ઉત્તરાયણના દિવસે પતંગથી દૂર રહીને દાનધર્મનું કામ કરે છે. અહી વડીલો ધાર્મિક કાર્યો પણ કરે છે. વડીલો ધાર્મિક લાગણી માટે એકઠા થઈ ગામમાં પતંગ માટે થનાર ખર્ચની સામે ગૌમાતા સહિતના પશુઓ માટે ઘાસચારો અને શ્વાન માટે લાડુ બનાવે છે. ફતેપુરાના યુવાનોએ ગામમાં કોઈપણ વ્યક્તિના ઘરે મોતનો માહોલ ના સર્જાય તેમજ પક્ષી જગતના રક્ષણ માટે પણ પતંગને તિલાંજલિ આપે છે. પરંતુ આ ગામનો એક નિયમ પણ છે. જો કોઈ ઉતરાયણના ગામમાં પતંગ ઉડાડે તો તેને 11 હજાર રૂપિયાનો દંડ કરાય છે.