KUTCH News :અંજારમાં બે જુદી જુદી અકસ્માતની ઘટનામાં માંડવીની બે મહિલા અને એક યુવાન સહિત ૩ના મોત નીપજ્યાં છે
KUTCH News :ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતના બનાવોમાં દરરોજ લોકો જીવ ગુમાવી રહ્યા છે. ઘણા બધા લોકો પુર ઝડપે વાહન ચલાવીને લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે કચ્છ જિલ્લામાં પણ અકસ્માતની 2 ઘટનાઓ સામે આવી છે. જી, હા, અંજારના રસ્તાઓ બન્યા રક્તરંજિત. અંજારમાં બે જુદી જુદી અકસ્માતની ઘટનામાં માંડવીની બે મહિલા અને એક યુવાન સહિત ૩ના મોત નીપજ્યાં છે.

KUTCH News :પ્રથમ દુર્ઘટનામાં 2 મહિલાના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. પ્રથમ દુર્ઘટના ગઈ કાલે સાંજે સાત વાગ્યાના અરસામાં આશાબા વે બ્રિજ પાસે બની હતી. માંડવીના સોનલનગરમાં રહેતી 13 વર્ષની કિશોરી સહિતના પ્રવાસી છોટા હાથીમાં બેસી માંડવીથી ગાંધીધામ તરફ જતાં હતા. ત્યારે ભારે વાહનની ટક્કરથી 42 વર્ષીય દેવશ્રીબેન વિશ્રામભાઈ ગઢવી અને 70 વર્ષીય ધનબાઈ પચાણભાઈ ગઢવીનું અકસ્માતમાં ગંભીર ઈજાથી થવાથી સ્થળ પર જ મૃત્યુ થયું હતું.
KUTCH News :દુર્ઘટનામાં 13 વર્ષની કિશોરીને માથામાં ગંભીર ઈજા થઈ હતી. દુર્ઘટનામાં વાહનમાં સવાર વિશ્રામ ભોજરાજ ગઢવીને પણ હળવી ઈજા પહોંચી હતી. જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા.
2 મહિલાઓના મૃત્યુની દુર્ઘટના બાદ અંજારની યોગેશ્વર ચોકડી- નજીક ચિત્રકૂટ તરફ જતાં રોડ પર ભારે વાહનની ટક્કરે યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. માર્ગ પરથી ભારેખમ વાહનો પસાર થવા સામે વધુ એક દુર્ઘટનાએ યુવાનનો જીવ લેતાં સ્થાનિક રહીશોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો અને તેમણે ચક્કાજામ કરી દીધો હતો. ઘટનાના પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલ યુવક પરપ્રાંતીય શ્રમિક હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.
બનાવ અંગે વધુમાં વાત કરીએ તો હતભાગી યુવાન અને અન્ય બે જણ નોકરી પૂરી કરી બાઈક પર ઘરે મેઘપર બોરીચી ખાતે જતા હતા. આ દરમ્યાન પાછળથી પૂરઝડપે આવતી ટ્રકના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. માથા સહિતના ભાગોમાં ગંભીર ઇજાના કારણે હતભાગી યુવાનનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું, જ્યારે અન્ય બે જણને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના બનાવના પગલે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા.
મૃતકની લાશના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી ચાલુ છે. બનાવના પગલે અંજાર પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ધસી ગયો છે. પી.આઇ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. લોકો મોડી રાત સુધી ભારે વાહનની અવરજવર રોકવાની માંગ સાથે અડગ રહ્યા હતા. અને અકસ્માત સર્જનારા ચાલક સામે આકરી કાર્યવાહી કરવાની બૂલંદ માંગ કરી રહ્યા હતા. પોલીસ સૂત્રોએ ખુલાસો કર્યો કે કળશ સર્કલથી વન વે કરાયેલો છે.
બંને ઘટનાઓ અંગે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે. ઘટના સ્થળે 108 પહોંચી હતી. આ બંન્ને અકસ્માતની ઘટનાઓ પરથી સવાલ એ થાય છે કે અવાર-નવાર પૂરપાટ ચાલતા ડમ્પર ચાલકોની ટક્કરથી ઘણા બધા લોકોના જીવ જાય છે. આ ડમ્પર ચાલકો કોની રહેમ નજર નીચે ઓવરલોડિંગ ખનીજ ભરી પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યા છે. ઓવરલોડિંગ ડમ્પરોના કારણે રોડ તૂટવાની પણ સમસ્યા સામે આવે છે. ત્યારે આવા ડમ્પર ચાલકો વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરાશે તે એક મોટો સવાલ છે.