Jamnagar Crime News :જામનગરના રાજપાર્ક વિસ્તારમાં 12 વર્ષની કિશોરીની ઘાતકી હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે
Jamnagar Crime News :જામનગરમાંથી હચમચાવી નાખે એવા સમાચાર સામે આવી રહ્યા છે. જામનગરના રાજપાર્ક વિસ્તારમાં 12 વર્ષની કિશોરીની ઘાતકી હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે. હાલ પોલીસે હત્યારાને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. 12 વર્ષની કિશોરીની હત્યા કેમ કરવામાં આવી તેની પાછળનું કારણ અકબંધ છે.

મળતી માહિતી અનુસાર, જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં રહેતી 12 વર્ષીય કિશોરી માતા-પિતા કામ અર્થે બહાર ગયા હોવાથી બપોરના સમયે પાડોશીના ઘરે ટિફિન આપવા માટે ગઈ હતી. આ દરમિયાન પાડોશીએ કિશોરી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. આ અંગેની જાણ થતાં જ માતા-પિતા તાત્કાલિક ઘરે પરત આવ્યા હતા. જ્યાં કિશોરી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.
તો સમગ્ર ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુંજ ચાવડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ કિશોરીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. તો હત્યા કરીને નાસી છૂટેલા હત્યારાની શોધખોળ હાથ ધરી હતી.
આ મામલે ડીવાયએસપીએ જણાવ્યું કે, મૃતક કિશોરીની માતા ટિફિન સર્વિસ ચલાવે છે. જેથી કિશોરી પાડોશમાં રહેતા શખ્સને ટિફિન આપવા માટે ગઈ હતી. જ્યાં આરોપીએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કિશોરીની હત્યા કરી નાખી હતી. કિશોરીની હત્યા ક્યાં કારણોસર કરવામાં આવી તે હજુ સુધી સામે આવ્યું નથી. હત્યારાની ધરપકડ બાદ હત્યાનું સાચું કારણ સામે આવશે.