ઓનલાઇન ઠગાઈ કરતી ટોળકી દ્વારા સરકારી કંપનીઓના નામે બોગસ વેબસાઈટ અને ટોલ ફ્રી નંબર મૂકી છેતરપિંડી કરવામાં આવતી હોવાના બનાવો વારંવાર બની રહ્યા છે.
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન ભદ્રેશભાઈ મહેતા સાથે આવી જ રીતે છેતરપિંડી થતા તેમને સાયબર સેલ ને જાણ કરી હતી. સિનિયર સિટીઝને પોલીસને કહ્યું છે કે, અમે મથુરા જવા માટે ૩૭ ટિકિટોનું ગ્રુપ બુકિંગ કરાવ્યું હતું. પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે આ ટિકિટો રદ કરવી પડી હતી.
મેં ટિકિટ બુક કરનાર એજન્ટ ને વાત કરતા રિટર્ન ટિકિટ નું રૂ. 34,000 રિફંડ મળી ગયું હતું. પરંતુ મથુરા જવાની ટિકિટોનું રૂ. 45000 રિફંડ પરત મળ્યું નહીં હોવાથી મેં રેલ્વે સ્ટેશન ના રિઝર્વેશન કાઉન્ટર પર જઈ પૂછપરછ કરી હતી. પરંતુ ત્યાંથી ઓનલાઇન ટિકિટ કરી હોવાથી અહીંથી સ્ટેટસ જોઈ શકાશે નહીં તેમ કહેવામાં આવ્યું હતું.
સિનિયર સિટીઝને ફરિયાદમાં કહ્યું છે કે, ત્યારબાદ તા 19 ઓગસ્ટના રોજ ને મારા મિત્ર પાસે irctc નો ટોલ ફ્રી નંબર મેળવ્યો હતો. જેના પર કોલ કરતા ફોન કટ થઈ ગયો હતો અને થોડીવારમાં મને સામેથી ફોન આવ્યો હતો. મે ટિકિટ રિફંડની વાત કરતા ફોન કરનાર વ્યક્તિએ મને એક લિંક મોકલું છું અને એન્ડ્રોઇડ ફોન પર મળશે તેમ કહ્યું હતું. જેથી મેં મારા એપલ ફોન સીમકાર્ડ મારી પત્નીના મોબાઇલમાં નાખી તપાસતા એક લિંક મળી હતી.
આ લીંક માં મારી પાસે પીએનઆર નંબર તેમજ ટિકિટ રિફંડ માટે બેન્ક એકાઉન્ટ નો નંબર માગવામાં આવ્યો હતો. જે મેં નાખતા મારા ખાતામાંથી ત્રણ ટ્રાન્જેક્શન થયા હતા અને રૂ 1.18 લાખ ટ્રાન્સફર થઈ ગયા હતા. જેથી સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.