Halwad News :જીરાના પાકોમાં નુકસાન જવાની દહેશતથી ખેડૂતો ચિંતિત, કેનાલોની સફાઇ અને રિપેરીંગ કરવા માગણી
Halwad News :હળવદ તાલુકામાંથી પસાર થતી નર્મદા વિભાગની અનેક કેનાલો સફાઈનાં અભાવે છલકાવાની અને નબળા કામને કારણે લીકેજ થતી હોવાના બનાવો વારંવાર બની રહ્યાં છે. આ સમસ્યાને કારણે ગ્રામજનો અને ખેડૂતો ભારે ત્રાસ અનુળબી રહ્યાં છે. કડીયાના ગામ નજીક ડી23 કેનાલ છલકાતા ખેતરોનાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યા હતા.

કડીયાના ગામ નજીકથી પસાર થતી ડી23 શાખાની ડીટુ કેનાલ મોડી રાત્રે છલકાઇ જવાથી ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. આ કેનાલની સાફ- સફાઈ તંત્ર દ્વારા કરવામાં નહીં આવતા કેનાલમાં ઉગી ઝાડી- ઝાંખરા ઉગી ગયા છે અને કચરાને કારણે પાણી આગળ નહીં જતા છલકાઈને બહાર આવી ખેતરમાં ફરી વળ્યા હતા.
જેને કારણે ખેડૂતોમાં રોષ પ્રવર્તે છે. ખેતરોમાં જીરું અને ઘઉંના પાકોમાં પાણી ફરી વળતા નુકસાન જવાની પણ દહેશત સેવાઈ રહી છે. તંત્રને અવાર-નવાર રજૂઆતો કરવા છતાં પગલા લેવાતા નથી. કેનાલોની યોગ્ય સફાઈ કરવામાં આવે તથા કેનાલોનું રિપેરીંગ કામ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે.