Gujarat Rain News :હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોમસી વરસાદ શરૂ થયો છે
Gujarat Rain News :હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોમસી વરસાદ શરૂ થયો છે. વાત જાણે એમ છે કે, રાજ્યના હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. આ તરફ આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં વધુ વરસાદ નોંધાયો તો સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. આ બધાની વચ્ચે હવે મિશ્ર ઋતુ દરમિયાન કમોમસી માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
Gujarat Rain News :આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો
બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થતા સૌથી વધુ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવી જીરું, રાયડો, બટાટા, એરંડા અને ઘઉં સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે આ તરફ હવે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોને પાકોમાં નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં ખાસ કરીને ધાનેરા, ડીસા, પાલનપુર, ભીલડી, દિયોદર, ભાભર, કાંકરેજ, થરાદ, સૂઇગામ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આ તરફ વરસાદને કારણે રાયડો, જીરું, વરિયાળી, બટાકા, ઘઉં સહિતના પાકમાં નુકસાનની ભીતિ બની છે. આ સાથે આકાશમાં કાળા વાદળો અને વીજળીના ચમકારા અને ભારે પવન સાથે વરસાદની શરૂઆતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
Gujarat Rain News :મહેસાણાના વાતાવરણમાં પલટો
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે મહેસાણાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઊંઝામાં વહેલી સવારથી વરસાદી છાંટા વરસતા ખેતીમાં નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. વરસાદી માહોલથી જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. આ સાથે મહેસાણા શહેરના પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. વહેલી સવારથી ઘનઘોર વાદળો વચ્ચે વરસાદી છાંટા પડતા ખેડૂતોમાં પાકને નુકશાન જવાની ચિંતા વ્યાપી ગઈ છે. આજે વહેલી સવારથી જ ધ્રોલ, કાલાવડ, જોડીયા તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. આ તરફ કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં નુકશાન જવાની ભીતિ સર્જાઇ છે.
કમોસમી વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી પોરબંદર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી ગ્રામ્ય વિસ્તારમાં ઘનઘોર વાદળો છવાયા હતા. આ તરફ બરડા પંથકના ગામો મોઢવાડા, રામવાવ સહિતના ગામોમાં કમોસમી વરસાદની નોંધાયો હતો છે.
સાવત્રિક કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં શનિવારે સાવત્રિક કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં પણ સવારથી કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં છે. પોરબંદરમાં સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. મહત્વનું છે કે, અનેક ખેડૂતોનો શિયાળુ પાક ખેતરમાં છે તેવામાં વરસાદને કારણે તૈયાર પાકમાં નુકસાનને લઇ ખેડૂતો ચિંતામાં છે.
Gujarat Rain News :દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો
હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં હવે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થઇ શકે છે. આ તરફ દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુરમાં કમોસમી વરસાદ ઝાપટાં શરુ થયા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટાની સાથે યાત્રાધામ શામળાજીમાં વરસાદી ઝાપટું પડ્યુ હતુ. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. હાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળ છાયુ વાતાવરણ છે. વાતાવરણમાં પલટાથી ખેડૂતોમાં ચિંતા મુકાયા છે. અહીં ઘઉં, મકાઈ, ચણા, બટાકા, વરિયાળી જેવા પાકોને નુકશાન થઇ શકે છે. મહત્વનું છે કે, જિલ્લામાં રવી સીઝનમાં કુલ 1.25 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં પાટણ જીલ્લામાં કમોસમી વરસાદ થતાં હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આજે વહેલી સવારથી જ પાટણ જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં સાંતલપુર, રાધનપુર તાલુકાનાં વાતાવરણમાં પલટો આવતા આકાશમાં છવાયા કાળા ડિબાંગ વાદળો વચ્ચે કેટલાક વિસ્તારમાં છુટા છવાયા વરસાદી છાંટા પડ્યા હતા. આ સાથે વારાહી-રાધનપુર હાઇવે વિસ્તારના ગામોમાં વરસાદ પડ્યો તો વારાહી,સાદપુરા, પીપળી, ગોતરકા, નવાગામ, અબીયાણા ગામે વરસાદ નોંધાયો છે. આ તરફ કમોસમી વરસાદથી જીલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે.