Gujarat News :છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય ખાતામાં ફરજ બજાવતા આઉટસોર્સીસના કર્મચારીઓનો છેલ્લા 4 મહિનાથી પગાર થયો નથી
Gujarat News :નોકરી કરતા કર્મચારીઓ માટે ઘર ચલાવવા માટે પગાર મહત્વનો હોય છે. પરંતુ આ પગાર કર્મચારીઓને સતત 4 મહિના સુધી ના મળે તો પરીવારનું ઘર ગુજરાન કેવી રીતે ચાલે? ઘણી બધી એવી સરકારી કે પ્રાઈવેટ નોકરીઓ છે જેમાં કર્મચારીઓનું ખૂબ જ શોષણ થાય છે અને અંતે પગાર આપવાનો થાય ત્યારે આવી લે ભાગુ સ્વાર્થી કંપનીઓ માત્ર પગાર આપવાના ખોટા વાયદા જ આપે છે. ઘણી બધી કંપનીઓ કર્મચારીઓને કોન્ટ્રક્ટ પર રાખે છે. આ કોન્ટ્રાક્ટરો કર્મચારીઓના પગારમાંથી ઘણી બધી રકમ દર મહિને પોતાના ખિસ્સામાં નાંખે છે.

Gujarat News :જેથી અત્યંત શોષણ વચ્ચે કામ કરતા કર્મચારીના હાથમાં ખૂબ જ નજીવું મહેનતાણુ આવે છે. આવી કંપનીના સત્તાધીશો સામે અને કોન્ટ્રાકટરો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. તેથી આવા મજબુર લોકોનો ફાયદો ઉઠાવતા કોન્ટ્રાકટરો અને કંપનીઓ સો વખત વિચાર કરે. પગારની લાલીયાવાડીની આવી જ એક ઘટના છોટાઉદેપુર જિલ્લામાં સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય ખાતામાં ફરજ બજાવતા આઉટસોર્સીસના કર્મચારીઓનો છેલ્લા 4 મહિનાથી પગાર થયો નથી. જે બાબતે કર્મચારીઓ ઉગ્ર રોષ ઠાલવી રહ્યા છે. હાલ 70 જેટલા કર્મચારીઓ હડતાલ પર છે.
આજ રોજ તમામ આઉટસોર્સીસ કર્મચારીઓ ભેગા થઈ કલેકટર કચેરીએ આવ્યા હતા અને જિલ્લા કલેકટર કચેરીમાં લેખિત રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો. ચાર માસથી પગાર ન થતા સામાન્ય ગરીબ વર્ગને કઈ રીતે પરિવારનું ગુજરાન ચલાવવું તે એક વિચારવા જેવી બાબત છે. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના તમામ 70 જેટલા આઉટસોર્સિસ કર્મચારીઓનો પગાર નવેમ્બર માસથી બાકી છે, જે હજી સુધી થયો નથી. જે બાબતે કર્મચારીઓ 5 દિવસથી હડતાળ કરી છે. આરોગ્ય કેન્દ્રો ખાતે ફરજ બજાવતા વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓનો છેલ્લા ચાર મહિનાથી પગાર થયો નથી.
જેથી આવી કારમી મોંઘવારીમાં ઘર સંસાર કેવી રીતે ચલાવવો? તેમ પ્રશ્ન કરી રહ્યા છે કર્મચારીઓ. અત્રે ઉલ્લેખનીય છે કે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં પરિવાર અને ઘરથી દૂર રહી પીએચસી અને તથા સીએચસી કેન્દ્ર ખાતે ફરજ બજાવતા કર્મચારીઓની પગાર ન થતા પરિસ્થિતિ ગંભીર બની છે. જે બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે એ જરૂરી થઈ પડ્યું છે. કલેક્ટર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાય આપવાની માંગ કરી હતી.