Gujarat Monsoon News :ગુજરાતમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ: આ જિલ્લાઓમાં પડ્યો વરસાદ, ઠંડીનો પારો ગગડ્યો-ખેડૂતો ચિંતામાં
Monsoon-like weather in Gujarat during winter: Rains in these districts
Gujarat Monsoon Latest News: અનેક વિસ્તારોમાં મોડીરાત્રે આવેલ વરસાદને કારણે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ખાબક્યો હતો મોસમી વરસાદ
ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનું આગમન
પંચમહાલ, દાહોદ અને સુરતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ
પાવાગઢમાં વરસાદ અને ધુમ્મસ વચ્ચે વહેલી સવારે ભક્તોએ માતાજીના દર્શન કર્યા
Gujarat Monsoon News : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે ચોમાસાનો માહોલ જામ્યો છે. વાત જાણે એમ છે કે, હવામાનની આગાહી મુજબ આજે વહેલી સવારથી જ પંચમહાલ, દાહોદ અને સુરતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સાથે અનેક વિસ્તારોમાં મોડીરાત્રે આવેલ વરસાદને કારણે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ તરફ ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો તો હજી આગમી 24 કલાકમાં વરસાદની આગાહી કરાઇ છે.
પંચમહાલ કમોસમી વરસાદી માહોલ સાથે ધુમ્મસ
આ તરફ હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં ફેરફાર આવ્યો છે. યાત્રાધામ પાવાગઢમાં વરસાદ નોંધાયો તો વાતાવરણ પણ ધુમ્મસમય બન્યું છે. આ તરફ અહીં હિલ સ્ટેશન હોય એવા માહોલ સર્જાયો છે. વરસાદ અને ધુમ્મસ વચ્ચે વહેલી સવારે ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. મહત્વનું છે કે, અહીં મોડી રાતથી વરસાદની ચાલુ હતો અને સવારે પણ થોડો વરસાદ પડ્યો હતો.
દાહોદ જિલ્લામાં ભરશિયાળે સર્જાયો વરસાદી માહોલ
Gujarat Monsoon Latest News : હવામાનની આગાહીને પગલે દાહોદ જિલ્લામાં ભરશિયાળે વરસાદી માહોલ સર્જાયો છે. દાહોદ જિલ્લાના લીમડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેને લઈ ખેતરમાં ઉભા પાકને નુકસાન જવાની ખેડૂતોમાં ચિંતા છે. આ તરફ ગરબાડા, સંજેલીમાં કમોસમી વરસાદ તો દેવગઢ બારીયા, ધાનપુર, લીમખેડામાં વરસાદ નોંધાયો છે. આ તરફ હવે વરસાદને પગલે પારો ગગડતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમા વરસાદ નોંધાયો છે. જેમાં મોડી રાત્રે ભારે વરસાદ આવાત ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.
સુરતમાં કમોસમી વરસાદથી પાક નુકસાનની ભીતિ
આ દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનું આગમન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સુરતના ઓલપાડ તાલુકાનાં કેટલાક વિસ્તારમાં મોડી રાત્રે હળવો વરસાદ પડ્યો હતો તો વળી ઓલપાડનાં સોંદામીઠાં, ટકારમા, ભટગામ સહીતનાં વિસ્તારમાં મોડી રાત્રે વરસાદ નોંધાયો છે. આ તરફ કમોસમી વરસાદથી શિયાળુ પાકને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે.
આગામી 24 કલાકમાં રાજ્યમાં હળવા વરસાદની આગાહી
આ બાબતે હવામાન વિભાગનાં અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ દરમ્યાન વાતાવરણની વાત કરીએ તો , આગામી 24 કલાકમાં ગુજરાતનાં અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં સાઉથ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તે બાદનાં 24 કલાકની વાત કરીએ તો વાતાવરણ સૂકું રહેશે. જીલ્લાની વાત કરીએ તો નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.